મોરબીમાં ગુમ થયેલી એક બાળકીનું 181 અભયમ હેલ્પલાઇન, ચાઇલ્ડ હેલ્પલાઇન 1098 અને જનરક્ષક 112 ટીમના સંયુક્ત પ્રયાસોથી તેના પરિવાર સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું હતું. આ ઘટના મોરબી શહેરમાં બની હતી. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર એક નાગરિકે ફોન કરીને માહિતી આપી કે આશરે બાર વર્ષની એક બાળકી રસ્તા પર એકલી મળી આવી છે અને તે રસ્તો ભૂલી ગઈ છે. માહિતી મળતા જ 181 ટીમના કાઉન્સિલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ રમીલાબેન અને પાયલોટ મહેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
ટીમે બાળકીને સાંત્વના આપી અને તેની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો. જોકે, બાળકી ડરી ગયેલી હોવાથી શરૂઆતમાં કોઈ માહિતી આપી શકી ન હતી. આથી, 181 ટીમે ચાઇલ્ડ હેલ્પલાઇન (1098) અને જનરક્ષક (112) ટીમનો સંપર્ક કર્યો અને સંકલનમાં રહીને કામગીરી હાથ ધરી.
બાળકીને રેસ્ક્યુ વાનમાં બેસાડી આસપાસના વિસ્તારોમાં લઈ જઈ તેનું સરનામું જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ઘણા પ્રયત્નો બાદ બાળકીના પરિવારજનો મળી આવ્યા હતા. કાઉન્સિલિંગ દરમિયાન પરિવારજનોએ જણાવ્યું કે તેઓ ઓડિશાના વતની છે અને મોરબીની એક કંપનીમાં મજૂરી કામ કરવા આવ્યા છે. તેઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે બાળકી તેમને જાણ કર્યા વગર નીકળી ગઈ હતી અને રસ્તો ભૂલી ગઈ હતી.

