ભરૂચ શહેરમાં 13 માર્ચે સાંજે 6 વાગ્યે ‘નમોત્સવ’ મેગા મલ્ટીમીડિયા મ્યુઝિકલ શોનું આયોજન કરવામાં આવ્યું છે. દુધધારા ડેરી દ્વારા દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે.
આ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન સંઘર્ષ અને પ્રેરણાદાયી સફરને અનોખી રંગમંચ શૈલીમાં રજૂ કરાશે. બાળપણથી લઈને દેશના વડાપ્રધાન બનવા સુધીની તેમની જીવનયાત્રાને મલ્ટીમીડિયા થિયેટર ફોર્મેટમાં દર્શાવવામાં આવશે.

આ મેગા કાર્યક્રમમાં 100થી વધુ કલાકારો ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્યના માધ્યમથી વડાપ્રધાનના જીવનપ્રસંગોને જીવંત બનાવશે. કાર્યક્રમને વધુ આકર્ષક બનાવવા માટે દિલધડક નૃત્ય પ્રસ્તુતિઓ, જાજરમાન ડ્રોન શો, ભવ્ય આતશબાજી અને વિશાળ પ્રોપ્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રખ્યાત લોકસાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરશે.
દુધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, ભાજપના ઉપપ્રમુખ નિરલ પટેલ અને મહામંત્રી જીગ્નેશ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું.

આ અંગે માહિતી આપતા જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદીએ જણાવ્યું હતું કે, ભરૂચમાં આ પ્રકારનો ભવ્ય મેગા કાર્યક્રમ પ્રથમવાર યોજાઈ રહ્યો છે, જે શહેર અને જિલ્લાના લોકો માટે ગૌરવની ક્ષણ છે. કાર્યક્રમના આયોજક દુધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, સહકારી ક્ષેત્રના મંત્રી જીતુ વાઘાણી અને જળ સંચય રાજ્ય કક્ષા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સહિત જિલ્લાના અનેક આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

