Gujarat

વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાં મનપાની કાર્યવાહી, દુર્ગંધ રોકવા કડક સૂચના

જામનગરના વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટમાંથી ફેલાતી દુર્ગંધ અંગે સ્થાનિકોની રજૂઆત બાદ રાજ્યના શિક્ષણ મંત્રી રિવાબા જાડેજાના આદેશથી મહાનગરપાલિકાનું તંત્ર સક્રિય થયું છે. મનપાના અધિકારીઓ અને કોર્પોરેટરોએ પ્લાન્ટની મુલાકાત લઈ દુર્ગંધ રોકવા માટે કંપનીને કડક સૂચનાઓ આપી છે.

ગાંધીનગર વિસ્તારમાં આવેલા આ પ્લાન્ટને કારણે આસપાસના વિસ્તારોમાં દુર્ગંધ ફેલાતી હોવાની ફરિયાદો લાંબા સમયથી હતી. ગુજરાત વિધાનસભા સત્રમાં હાજર રહેલા મંત્રી રિવાબા જાડેજાને આ અંગે રજૂઆતો મળ્યા બાદ તેમણે તાત્કાલિક જામનગર મહાનગરપાલિકાને કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા હતા.

મંત્રીના સૂચન બાદ મહાનગરપાલિકાના આસી. કમિશનર અને સોલિડ વેસ્ટ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઈ વરણવા તેમની ટીમ સાથે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ સ્થળે પહોંચ્યા હતા. આ નિરીક્ષણ દરમિયાન વોર્ડ નંબર બે, ત્રણ અને ચારના ભાજપના કોર્પોરેટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.

અધિકારીઓએ કંપનીને બહાર રાખવામાં આવેલો કચરો તાત્કાલિક અસરથી ઉપાડી લેવા અને જરૂરી સફાઈ કરવા માટે કડક સૂચના આપી હતી. ઉપરાંત, આસપાસના વિસ્તારમાં ડિઓ-સ્પ્રેની માત્રા વધારવા અને તેના નોઝલની યોગ્ય જાળવણી કરવા પણ જણાવાયું હતું, જેથી દુર્ગંધ વધુ ન ફેલાય.