ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગઈકાલે મોડી સાંજે ફતેપુરા ત્રણ રસ્તા પાસેના ખુલ્લા ખેતરમાંથી 21 જુગારીને 21 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા પછી આજે સવારે શાહપુરબ્રિજ નજીકથી દારૂની હેરાફેરીનો પણ પર્દાફાશ કર્યો છે. એલસીબીએ ચિલોડાથી અમદાવાદ તરફ દારૂ ભરેલી ગાડી જવાની બાતમીના આધારે વોચ ગોઠવી વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે 8.10 લાખનો મુદ્દામાલ સાથે એકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
કાર રોકવાનું કહેતા આરોપીએ ભગાવી આ અંગેની મળતી માહિતી મુજબ, એલસીબીની ટીમ ઈન્દ્રોડા સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતી, ત્યારે બાતમી મળી હતી કે રાજસ્થાન પાસિંગની સફેદ કલરની વિટારા બ્રેઝા નંબર RJ-23-CC-5327માં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે. જેના પગલે એલસીબી ટીમે વોચ ગોઠવી ગાડીને ઉભી રાખવાનો ઈશારો કરતા ચાલકે ગાડી ભગાવી હતી. જેના પગલે ટીમે ખાનગી વાહનોમાં પીછો કરતા શાહપુર બ્રિજ પાસે સર્વિસ રોડ પર પટેલ આઈસ્ક્રીમ શોપ નજીક ગાડીને કોર્ડન કરી લીધી હતી.
એક આરોપી કારમાંથી ફરાર આ દરમિયાન મુખ્ય આરોપી નરૂ ઉર્ફે કાળિયો (રહે. બુબી, રાજસ્થાન) અંધારાનો લાભ લઈ ચાલુ ગાડીએ ઉતરીને નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બાદમાં પોલીસે ગાડીમાં તપાસ કરતા ડ્રાઈવર સીટ પર બેઠેલા કરણકુમાર નવીનભાઈ પારઘી (રહે. અણસોલ, શામળાજી)ને ઝડપી લીધો હતો.
દારૂ સહિત 8 લાખનો મુદ્દામાલ જપ્ત આ અંગે એલસીબી પીઆઇ દિવાનસિંહ વાળાએ કહ્યું કે, ગાડીની તલાશી લેતા તેમાંથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ 376 બોટલો અને બીયરના ટીન મળી કુલ રૂ. 2,95,210નો જથ્થો મળી આવ્યો છે. જેના પગલે દારૂની હેરાફેરીમાં વપરાયેલ રૂ. 5,00,000ની વિટારા બ્રેઝા ગાડી અને રૂ. 15,000નો મોબાઈલ ફોન મળી કુલ રૂ. 8,10,210નો મુદ્દામાલ કબજે કર્યો છે.

