અમદાવાદ એરપોર્ટ પર પાર્કિંગ ચાર્જના પેમેન્ટને લઈ એરપોર્ટ ઓથિરિટી દ્વારા કરાયેલા એક ર્નિણયને લઈ વિવાદ સર્જાવાનાં એંધાણ છે. એરપોર્ટ પર જે પાર્કિંગ ચાર્જ વસૂલાય છે એનો વાહનચાલક જાે કેશમાં પેમેન્ટ કરે તો અલગથી ૧૦૦ રૂપિયા વસૂલવાનો ર્નિણય કરાયો છે. ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ ર્નિણય કરાયો હોવાનું અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું છે, એટલે કે જાે કોઈ ટૂ-વ્હીલરચાલક પોતાનું વાહન અડધો કલાક પાર્ક કરે છે અને રોકડમાં પેમેન્ટ કરે છે તો તેને પાર્કિંગના ૫૦ રૂપિયા અને રોકડ પેમેન્ટ કરવા બદલ રૂપિયા ૧૦૦ મળી કૂલ ૧૫૦ રૂપિયા ચૂકવવા પડશે. અમદાવાદ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટિક એરપોર્ટ પર દરરોજ હજારો મુસાફરોની આવનજાવન રહે છે. મુસાફરને લેવા-મૂકવા માટે તેમનાં પરિવારજનો આવતાં હોય છે અને પોતાનું વાહન પાર્કિંગમાં પાર્ક કરતાં હોય છે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા પહેલાંથી જ સમય મુજબ પાર્કિંગના દર નક્કી કરાયેલા છે, પરંતુ હવે ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવાના નામે રોકડ પેમેન્ટ કરવા પર અલગથી રૂપિયા ૧૦૦ વસૂલવાનો ર્નિણય કરાયો છે.
અમદાવાદ એરપોર્ટ ખાતે પાર્કિંગ કર્યા બાદ તેમને પાર્કિંગની એક કૂપન આપવામાં આવતી હોય છે, જેને ટિકિટ કહેવામાં આવે છે. જાે ભૂલથી મુસાફરો આ ટિકિટ ગુમાવી દે છે તો તેમને તેના ૫૦૦ રૂપિયા ચાર્જ આપવો પડતો હોય છે. ત્યાર બાદ જ તેમને તેમનું વાહન પરત મળે છે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ પાર્કિંગનો ચાર્જ જે પણ મુસાફર લોકો કેશમાં પેમેન્ટ કરશે તેમની પાસેથી ?૧૦૦ વધારાના વસૂલ કરીશું, કારણકે ડિજિટલ પેમેન્ટને પ્રમોટ કરવા માટે અમે આ પ્રકારનો રૂલ્સ હવે એરપોર્ટ પર લાગુ કર્યા છે. ઓથોરિટીએ વધુમાં જણાવ્યું હતું કે પહેલાં જ્યારે કેશમાં પેમેન્ટ થતું હતું ત્યારે ૨થી ૩ મિનિટનો સમય બગડતો હતો. હવે ડિજિટલ પેમેન્ટને કારણે ૩૦ સેકન્ડમાં પૂરી પ્રોસેસ થઈ જાય છે. અમદાવાદ એરપોર્ટ પર નોકરી કરનાર અંકિતભાઈએ જણાવ્યું હતું કે અમારી પાસેથી મહિનાના ૨૫૦ રૂપિયા ચાર્જ લેવામાં આવે છે. જે લોકો પોતાના પરિવારજનને મૂકવા આવે તેમની પાસેથી ડિજિટલ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે, પરંતુ જાે તેઓ કેશમાં પેમેન્ટ કરે તો તેમની પાસેથી ૧૦૦ રૂપિયા વધારાના વસૂલ કરવામાં આવે છે.
વાહનચાલકને શું અસર થશે એે ઉદાહરણથી સમજીએ
કારચાલક
જાે તમે અમદાવાદ એરપોર્ટ પર એક કલાક સુધી કાર પાર્ક કરો છો તો તમારે પાર્કિંગ ચાર્જના રૂ. ૧૫૦ ચૂકવવા પડશે. આ પેમેન્ટ તમે ડિજિટલ મોડથી કરો છો તો રૂ. ૧૫૦ જ ચૂકવવાના રહેશે, પરંતુ જાે તમે રોકડમાં પમેન્ટ કરશો તો અલગથી રૂ. ૧૦૦ એટલે કે કૂલ રૂ. ૨૫૦ ચૂકવવા પડશે.
ટૂ-વ્હીલર
જાે તમે અમદાવાદ એરપોર્ટ પર ૩૦ મિનિટ સુધી તમારું ટૂ-વ્હીલર પાર્ક કરો છો તો પાર્કિંગ ચાર્જના રૂ. ૫૦ ચૂકવવાના રહે છે. હવે જાે તમે આ ચાર્જનું પેમેન્ટ રોકડમાં કરો છો તો તમારે અલગથી ૧૦૦ રૂપિયા ચાર્જ આપવો પડશે, એટલે કે કુલ રૂ. ૧૫૦ની ચૂકવણી કરવી પડશે.

