Gujarat

NH-48 પર હિટ એન્ડ રનનો ભેદ ઉકેલાયો

વડોદરામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. પોલીસે ટેક્નિકલ એનાલિસિસ અને ઝીણવટભરી તપાસના આધારે કારના ડ્રાઈવરને ઝડપી લીધો છે. ઘટનાસ્થળેથી મળી આવેલા લાલ રંગની કારની સાઈડ લાઈટના તૂટેલા ફાઈબર કવર અને વાસદ ટોલ નાકાના સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે 14 શંકાસ્પદ કારોની તપાસ કરી અંતે અકસ્માત સર્જનાર ચાલક સુધી પહોંચવામાં સફળતા મેળવી છે.

દશરથ ગામ પાસે જી.એસ.એફ.સી. યુનિવર્સિટી તરફથી નેશનલ હાઈવે નંબર-48 ક્રોસ કરી રહેલા 55 વર્ષીય પદમલા નિવાસી હનુમાન જાટને પૂરપાટ ઝડપે દોડતી એક અજાણી લાલ રંગની કારના ચાલકે જોરદાર ટક્કર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી, જેના કારણે હનુમાન જાટનું મૃત્યુ થયું હતું અને કારચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો.

પોલીસે આ કાર અને ઘટનાસ્થળેથી મળેલા પાર્ટ્સને એફ.એસ.એલ. અધિકારી સમક્ષ રજૂ કરી તપાસ કરાવતા બંને બિલકુલ મેચ થઈ ગયા હતા. જેના આધારે પોલીસે કડક કાર્યવાહી કરીને અકસ્માત સર્જનાર કારચાલક ઇલિયાસ કમરૂદ્દીન કાઝી (રહે. પટેલ વાડીની સામે, નૂરાની મસ્જીદ મહોલ્લો, ગોરવા, વડોદરા શહેર) ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.