જૂનાગઢ સહિત સોરઠ પંથકના દર્દીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલને અદ્યતન સુવિધાઓથી સજ્જ કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા 100 કરોડથી વધુનું આયોજન કરવામાં આવ્યું છે. ધારાસભ્ય સંજય કોરડીયાની અધ્યક્ષતામાં સિવિલ હોસ્પિટલના ડોક્ટરો સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં હોસ્પિટલના નવીનીકરણ અને આગામી સુવિધાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ઓપરેશન થિયેટરોનું આધુનિકીકરણ સિવિલ હોસ્પિટલમાં હાલ સારવારની ગુણવત્તા વધારવા પર ભાર મુકવામાં આવી રહ્યો છે. હોસ્પિટલના કુલ 13 ઓપરેશન થિયેટરને અત્યાધુનિક બનાવવામાં આવશે. જેમાંથી 7 ઓપરેશન થિયેટરને રિનોવેટ કરવામાં આવશે, જ્યારે 6 નવા ઓપરેશન થિયેટરોનું નિર્માણ કરવામાં આવશે.

આ હાઈ-ટેક ઓપરેશન થિયેટરથી માત્ર દર્દીઓને જ ફાયદો નહીં થાય, પરંતુ મેડિકલ કોલેજના UG અને PG ના વિદ્યાર્થીઓ પણ આધુનિક ટેકનોલોજી સાથે ઓપરેશનનો અનુભવ મેળવી શકશે. આ કામગીરી હાલ પૂર્ણતાના આરે છે.
ધારાસભ્ય સંજય કોરડીયાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જૂનાગઢ, ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાએ દવાઓ માટે રાજકોટ પર નિર્ભર રહેવું પડતું હતું. ઘણીવાર સમયસર દવાઓ ન મળવાને કારણે મુશ્કેલીઓ સર્જાતી હતી. હવે સરકારે જૂનાગઢ ખાતે જ આ ત્રણ જિલ્લાઓ માટે ‘રિજીયોનલ ડ્રગ ડેપો’ મંજૂર કર્યો છે. આ સાથે જ ફૂડ અને ડ્રગ્સની લેબોરેટરી પણ અહીં જ કાર્યરત થશે, જેનાથી આરોગ્ય ક્ષેત્રે જૂનાગઢ હેડક્વાર્ટર તરીકે ઉભરી આવશે.

