Gujarat

ફેસબુક ફ્રેન્ડની માયાજાળમાં ફસાયા વૃદ્ધ

અમદાવાદના એક વૃદ્ધ સાથે અજાણી યુવતીએ ફેસબુક પર મિત્રતા કેળવીને વૃદ્ધને વિશ્વાસમાં લઈને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું કહીને વૃદ્ધ પાસેથી ટુકડે-ટુકડે 24.40 લાખ રૂપિયા પડાવ્યા છે. જે બાદ યુવતીએ વૃદ્ધનો ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું. વૃદ્ધને પૈસા પરત ન મળતા વૃદ્ધે છેતરપિંડી મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ મિત્રતા કેળવી રોકાણ કરવા કહ્યું શાહપુરમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરે છે. વૃદ્ધ નિયમિત રીતે સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો વપરાશ કરે છે. 29 ઓગસ્ટ, 2025ના રોજ ફેસબુક પર એક અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી, જે એક્સેપ્ટ કરીને વૃદ્ધ સાથે વાતચીત કરવાનું શરૂ કર્યું હતું.

જે બાદ યુવતીએ વૃદ્ધને મોબાઈલ નંબર આપ્યો હતો અને બંને વ્હોટ્સએપ પર મેસેજથી સાથે વાત કરતા હતા. આ દરમિયાન યુવતીએ વૃદ્ધને ફોરેક્સ એક્સચેન્જમાં રોકાણ કરવાનું જણાવ્યું હતું. વૃદ્ધ યુવતીની વાતોમાં આવી ગયા અને સારા નફાની લાલચમાં રોકાણ કરવા તૈયાર થયા હતા.

બે મહિનામાં 24.40 લાખનું રોકાણ કર્યું યુવતીએ મોકલેલી લીંક પર રજિસ્ટ્રેશન કરાવી બેંકની વિગત આપીને વૃદ્ધે રોકાણ કરવાનું શરૂ કર્યું હતું. બે મહિનામાં 24.40 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ કર્યા બાદ પૈસા પરત માંગતા યુવતીનો ફોન બંધ આવતો હતો અને કોઈ જવાબ પણ મળતો નહોતો. જેથી વૃદ્ધને તેમના સાથે થયેલી ઠગાઈની જાણ થઈ હતી. સમગ્ર મામલે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે.