મહેસાણાની કૃષ્ણનગર સોસાયટીમાં ત્રણ મહિના પહેલાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ એલસીબીએ ઉકેલી નાખ્યો છે. પોલીસે CCTV ફૂટેજ આધારે કારની ઓળખ કરી છેક દિલ્હીથી એક આરોપીને કાર સાથે દબોચી લીધો છે. તપાસમાં બહાર આવ્યું છે કે તસ્કરોએ પોલીસને ગુમરાહ કરવા કારની નંબર પ્લેટ પણ બદલી નાખી હતી.
ગત 6 નવેમ્બર 2025ના રોજ મહેસાણા શહેરની કૃષ્ણનગર સોસાયટીના મકાન નંબર 17/બીનું તાળું તોડી અંદર ઘૂસેલા તસ્કરો તિજોરીમાંથી સોના-ચાંદીના ઘરેણાં ચોરી ગયા હતા. જે અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાયો હતો.
આ મામલે LCB પીઆઈ એસ.આર. ચૌધરી અને તેમની ટીમે CCTV ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદ લીધી હતી. તપાસ દરમિયાન એક શંકાસ્પદ કાર (GJ 18 EE 6217) મહેસાણા શહેરમાં જોવા મળી હતી. ટેકનિકલ તપાસમાં ખીમાણા ટોલનાકા પર આ જ ગાડીએ ફાસ્ટેગથી ટેક્સ ચૂકવ્યો હતો અને ત્યાં તેની સાચી નંબર પ્લેટ DL 09 CAS 7243 હોવાનું ખુલ્યું હતું. આ મહત્વની કડી મળતાં જ પોલીસની એક ટીમ દિલ્હી રવાના થઈ હતી.
પોલીસે દિલ્હીના મંગોલપુરી વિસ્તારમાં ગાડીના મૂળ માલિકની ભાળ મેળવી હતી. જેની પૂછપરછમાં જાણવા મળ્યું કે રોહિત પ્રેમચંદ કટારિયા નામનો શખ્સ આ ગાડી છ મહિના પહેલાં લઈ ગયો હતો. પોલીસે રોહિતના ઘરે દરોડો પાડી તેને કાર સાથે ઝડપી લીધો હતો.

