Gujarat

પોરબંદર LCB નું ગાંધીનગરમાં ઓપરેશન

પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાંચ (LCB) દ્વારા વર્ષ ૨૦૨૫માં નોંધાયેલા અપહરણ, ખંડણી વસૂલાત અને કરોડો રૂપિયાની સાયબર છેતરપિંડીના ગંભીર ગુનામાં ફરાર રહેલા બે સહઆરોપીઓને ગાંધીનગર જિલ્લાના કલોલ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં પાર્થ ઉર્ફે લાલો મહેન્દ્રભાઈ સોનગેલા (ઉંમર ૨૬, રહે. ભાણવડ, જી. દેવભૂમિ દ્વારકા) અને રાજુ બાલુભાઈ પરમાર (ઉંમર ૩૫, રહે. છાંયા નવાપરા, પોરબંદર)નો સમાવેશ થાય છે.

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, ૭૦ લાખ રૂપિયાની ખંડણી વસૂલવા પૂર્વ આયોજિત કાવતરું ઘડીને તા. ૧૧/૦૪/૨૦૨૫ની રાત્રે ચારથી પાંચ અજાણ્યા આરોપીઓ ફરિયાદીના ઘરે ઘૂસી ગયા હતા. તેમણે ફરિયાદી, તેમના જમાઈ ભાનુભાઈ અને સાળી ગીગીબેનનું અપહરણ કરી કાળા રંગની કારમાં લઈ ગયા હતા. તેમને એક આરોપીના બંગલે ગેરકાયદેસર બંધક બનાવી, ફરિયાદીની દીકરી સાથે વીડિયો કોલ પર વાત કરાવી નાણાં આપવા દબાણ કર્યું હતું.

પાંચ દિવસ બાદ અન્ય આરોપી દ્વારા ફરિયાદીની દીકરીના દીકરા રણજીતનું રાણાવાવ ખાતેથી અપહરણ કરી તેને પણ તે જ સ્થળે બંધક બનાવવામાં આવ્યો હતો. આરોપીઓએ મારપીટ, ઢીકાપાટુ અને આડકતરી રીતે જાનથી મારી નાખવાની ધમકીઓ આપી, જમીન, પ્લોટ, દાગીના સહિતની મિલકત હસ્તાંતર કરવા દબાણ કર્યું હતું. ફરિયાદી પાસેથી ૧૧ કોરા ચેક પર બળજબરીપૂર્વક સહીઓ કરાવી હતી. દોઢ તોલાનો સોનાનો બેરખો અને આશરે પોણા તોલાનો ચેઇન મળી કુલ આશરે દોઢ લાખ રૂપિયાના દાગીના પણ કબજે કરાયા હતા.