શાળા કમિશનર કચેરી કોઈપણ ફાઈલ કે પત્ર હાર્ડ કોપીમાં નહીં સ્વીકારે : આદેશનું પાલન ન કરનાર સામે કાર્યવાહી
કમિશનર શાળાઓની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને એક પત્ર લખવામાં આવ્યો છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે કડક સૂચના આપવામાં આવી છે. તેમજ તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં તમામ ફાઈલ ઈ-સરકાર મારફતે જ ચલાવવા કમિશનર શાળાઓની કચેરીએ આદેશ કર્યો છે. આજ (૧૫ જાન્યુઆરી)થી કમિશનર શાળાઓની કચેરી કોઈપણ ફાઇલ કે પત્ર હાર્ડ કોપીમાં સ્વીકારશે નહીં. જાે કોઈ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ફાઇલો કે પત્ર હાર્ડ કોપીમાં મોકલશે તો જિલ્લા શિક્ષણાધિકારી સામે કાર્યવાહી પણ થઈ શકે છે.
ડિજિટલ યુગમાં સરકારી કચેરીઓને પેપરલેસ બનાવવા રાજ્ય સરકાર દ્વારા ઈ-સરકાર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ઇ-સરકારનો મુખ્ય હેતુ મેન્યુઅલ પ્રક્રિયાઓને સંપૂર્ણપણે સંકલિત ઇલેક્ટ્રોનિક ફાઇલ બનાવી અને તેના રેકર્ડ મેનેજમેન્ટ સિસ્ટમ થકી સરકારી કચેરીઓની કામગીરીને વધુ આધુનિક બનાવવાનો છે. જેથી તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનો અમલ કરવા સૂચના આપવામાં આવી છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં કોઈપણ પ્રકારની ફાઈલની કાર્યવાહી હાર્ડ કોપીમાં ન કરવા આદેશ કરાયો છે.
જાેકે, અનેક વખત શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓમાં ઈ-સરકારનું અમલીકરણ કરવા માટે સૂચના આપી હતી. પરંતુ તેનો ૧૦૦ ટકા અમલ ન થતો હોવાથી હવે કડક ર્નિણય લેવામાં આવ્યો છે. કમિશનર શાળાઓની કચેરી ખાતે મોકલવામાં આવતી તમામ ફાઇલો અને પત્ર હવે માત્ર ઈ-સરકાર મારફતે જ મોકલવા માટે આદેશ કરવામાં આવ્યો છે. આજથી કમિશનર શાળાઓની કચેરી હવે કોઈ પણ ફાઇલો કે પત્ર હાર્ડ કોપીમાં સ્વીકારશે નહીં. તેમજ જાે કોઈ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ફાઇલો કે પત્ર હાર્ડ કોપીમાં મોકલશે તો જિલ્લા શિક્ષણાધિકારી સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકારને ભલામણ કરવાની પણ ચીમકી આપવામાં આવી છે.

