Gujarat

વર્ષમાં આગની 2835 ઘટનામાંથી 567 ઘટના ACમાં શોર્ટસર્કિટ

શહેરમાં એક વર્ષમાં નોંધાયેલા કુલ 2835 આગના બનાવોમાંથી 567 માત્ર એસીમાં શોર્ટસર્કિટ, કોમ્પ્રેસર બ્લાસ્ટ કે ગેસ લિકેજને કારણે બન્યા હતા. ખાસ કરીને માર્ચથી જૂનમાં આગનું પ્રમાણ વધી જતું હોય છે.

ઉનાળાના આ સમયમાં એસી, ફ્રીજનો વધુ પડતો ઉપયોગને કારણે પાવર ઓવરલોડિંગ થતાં આગ લાગે છે. આ કુલ બનાવો પૈકી 58 ટકા આગના બનાવોનું કારણ પણ શોર્ટસર્કિટ હોવાનું સામે આવ્યું હતું.

એસીથી આગ માટે આ કારણો જવાબદાર

  • ડિવિઝનલ ફાયર ઓફિસર એસ. બી. જાડેજાના જણાવ્યા અનુસાર, ઉનાળાના સમયમાં એસી જેવા 15 એમ્પિયર પર ચાલતા ભારે ઉપકરણો સતત ચાલુ હોય અને નબળું વાયરિંગ હોય કે ઇલેક્ટ્રિક લોડ વધુ હોય તો આગની સંભાવના રહે છે. એસીમાં ગેસ લિકેજ અને સમયસર સર્વિસના અભાવે કોમ્પ્રેસર પર દબાણ વધે છે અને ફાયર બોમ્બની જેમ ફાટે છે.
  • એલડી એન્જિનિયરિંગના એસો. પ્રોફેસેર ડો. વી.આર. પટેલના જણાવ્યા અનુસાર, એક એસી ચલાવવા માટે 2-3 કિલો વોટ લોડ હોવો જોઈએ. તેનાથી વધુ એસી કે અન્ય ભારે ઉપકરણો ચલાવવા હોય તો પાવર લોડ વધારવો અનિવાર્ય છે. લોડ અપડેટ ન કરવાથી વાયરિંગ પર દબાણ વધે છે.