Gujarat

ડાંગરના ખેતરો ઉદ્યોગોમાં ફેરવાયા, મિલો બંધ

વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં ઔદ્યોગિક વિકાસને કારણે ખેતીનો વિસ્તાર સતત ઘટી રહ્યો છે. એક સમયે ડાંગરની ખેતી અને રાઇસ મિલો માટે જાણીતો આ તાલુકો હવે ઉદ્યોગોના વિસ્તરણનો ભોગ બની રહ્યો છે.

તાલુકામાં બે મોટા ઔદ્યોગિક વિસ્તારો આવેલા છે. આ વિસ્તારોના વિસ્તરણને કારણે ડાંગરના ખેતરો ઉદ્યોગોમાં ફેરવાઈ ગયા છે, જેના પરિણામે ખેતીની જમીનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

ખેતી ઘટવાને કારણે ઉમરગામ તાલુકાની અનેક રાઇસ મિલોને તાળા લાગી ગયા છે. ખતલવાડા ગામે આવેલી આશરે સો વર્ષ જૂની રાઇસ મિલ પણ માંડ માંડ ચાલી રહી છે. તાલુકામાં 80થી 100વર્ષ જૂની કેટલીક રાઇસ મિલો હજુ પણ અસ્તિત્વમાં છે.

આ રાઇસ મિલોમાં મશીનો કાર્યક્ષમ હોવા છતાં, સ્થાનિક સ્તરે ડાંગરની ઉપલબ્ધતા એક મોટો પ્રશ્ન છે. મિલો ચલાવવા માટે હવે ડાંગર મહારાષ્ટ્ર રાજ્યમાંથી મંગાવવો પડે છે, જે સ્થાનિક ખેતીના પતનને દર્શાવે છે.