સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 42 થી 45 વર્ષીય લાભુબેન શૈલેષભાઈ બારૈયાએ પારિવારિક ઝઘડાથી વ્યથિત થઈ કાપોદ્રા બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને જીવન ટૂંકાવ્યું છે. ગત રોજ મોડી સાંજે ઘરેથી નીકળ્યા બાદ આજે સવારે તેમનો મૃતદેહ નદીમાં તરતો મળી આવતા ફાયર બ્રિગેડ દ્વારા તેને બહાર કાઢવામાં આવ્યો હતો. ઉત્રાણ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
તાપી નદીમાં તરતી લાશ લોકોને નજરે પડી આજે સવારે અંદાજે 10 વાગ્યાના અરસામાં કાપોદ્રા બ્રિજ પરથી મોટા વરાછા તરફ જતા રસ્તા પર તાપી નદીના પાણીમાં એક મહિલાની લાશ તરતી હોવાનું સ્થાનિક લોકોના નજરે પડ્યું હતું. આ અંગે તાત્કાલિક ફાયર બ્રિગેડ કંટ્રોલ વિભાગને જાણ કરવામાં આવતા જવાનોની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગે નદીમાંથી મૃતદેહ બહાર કાઢી તેનો કબજો પોલીસને સોંપ્યો હતો.
પારિવારીક ઝઘડામાં માઠું લાગતા ઘરેથી નીકળી ગયા પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, મૃતક મહિલા કાપોદ્રાની આદર્શ સોસાયટીમાં રહેતા હતા. ગત રોજ તેમને પરિવારમાં કોઈ બાબતે ઝઘડો થયો હતો, જેનું માઠું લાગી આવતા તેઓ કોઈને કહ્યા વગર ઘરેથી નીકળી ગયા હતા. પરિવારજનોએ આખી રાત તેમની શોધખોળ કરી હતી, પરંતુ કોઈ પતો મળ્યો ન હતો. દરમિયાન આજે સવારે તેમના આપઘાતના સમાચાર મળ્યા હતા.

