Gujarat

રાજ્યમાં ઠંડીમાં આંશિક ઘટાડો – સૌથી ઠંડુ શહેર નલિયા

રાજ્યમાં થોડા સમયથી અનુભવાતી કડકડતી ઠંડીમાં હવે આંશિક ઘટાડો નોંધાવાની શક્યતા છે. હવામાન વિભાગના અનુમાન મુજબ, આગામી 48 કલાકમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે. જોકે પવનની ગતિ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 45થી 55 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી ત્રણ દિવસ બાદ ફરી એક વખત તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીમાં વધારો થઈ શકે છે.

વિવિધ શહેરોમાં નોંધાયેલું લઘુત્તમ તાપમાન છેલ્લા 24 કલાકમાં રાજ્યના વિવિધ શહેરોમાં નોંધાયેલા લઘુત્તમ તાપમાનની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 12.8 ડિગ્રી સેલ્સિયસ, અમરેલીમાં 11.6 ડિગ્રી, વડોદરામાં 13.8 ડિગ્રી, ભાવનગરમાં 15.2 ડિગ્રી અને ભુજમાં 11.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. દમણમાં 15.4 ડિગ્રી, ડીસામાં 11.3 ડિગ્રી, દીવમાં 11.9 ડિગ્રી અને દ્વારકામાં 14.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.