Gujarat

સોલા સિવિલમાં સ્ટાફના ગેરવર્તનથી દર્દી ચાલુ સારવારે હોસ્પિટલ છોડવા મજબૂર

અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારી અને સ્ટાફના દર્દી સાથે ખરાબ વર્તનના કારણે વિવાદમાં આવી છે. 27 જાન્યુઆરીને મંગળવારે સાંજે લીવર સિરોસિસથી પીડાતા રાજકુમાર ઠાકર નામના વ્યક્તિને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા.

પેટમાંથી પાણી કાઢવાની સારવાર માટે ચોથા માળે દાખલ કરવામાં આવ્યા બાદ ગંભીર હાલતમાં હોવા છતાં તેમને જાતે જ સ્ટ્રેચર ખેંચીને વોર્ડ સુધી જવું પડ્યું હોવાનો આરોપ છે. અગાઉ પણ સોલા સિવિલ હોસ્પિટલમાં સ્ટ્રેચર જાતે ખેંચીને જતા દર્દીઓનો મુદ્દો ગંભીર બન્યો હતો. દર્દીઓને સ્ટ્રેચર વગેરે જાતે ખેંચીને લઈ જવું પડી રહ્યું હતું.

આ મામલે દર્દી રાજકુમાર ઠાકરે જણાવ્યું હતું કે, હવે મને જે કંઈ પણ થશે તેની સંપૂર્ણ જવાબદારી સોલા સિવિલ તંત્રની રહેશે. હું બોટાદ ગામમાં રહું છું અને મને લીવરની સિરોસિસની તકલીફ છે. હું પાણી કઢાવવા માટે સોલા સિવિલની અંદર આવ્યો હતો. પાણી કઢાવવા બાબતમાં મને નીચેથી એડમિટ કરવા માટે ઉપર કીધું કે, ચોથા માળે તમે એડમિટ થવા જાઓ.

હું ચોથે માળ એડમિટ થવા આવ્યો, ત્યાં ચોથે માળ મને રિંકુબેન મકવાણા કરીને (સ્ટાફ) મને કે, તમે ચાદર પકડો, આ કરો… ઓઢવાનું ન આપ્યું, ઓશિકા ન આપ્યા અને ખૂબ જ મારી સાથે ગેરવર્તન કર્યું છે. એટલે હું હોસ્પિટલમાંથી ચાલુ ટ્રીટમેન્ટે નીકળી ગયો છું. જો મને કોઈપણ વસ્તુ થશે તો તેની તમામ જવાબદારી સોલા સિવિલ અને રિંકુબેન મકવાણાની રહેશે.