Gujarat

૧૦૦ મીટર દૂર કટ આપતા લોકો રોંગ સાઈડમાં ઘુસ્યા, AMCનું કામ ટ્રાફિક પોલીસે કર્યું

શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની થઈ રહી છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શહેર ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં મુખ્ય ચાર રસ્તાઓ હવે બંધ કરવામાં આવી રહ્યા છે.

ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય ચાર રસ્તા ઉપર બેરીકેડિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવ્યા છે. જે મુખ્ય ચાર રસ્તા છે તેનાથી ૧૦૦ દૂર જે કટ આપવામાં આવેલો છે ત્યાંથી વાહનચાલકો જઈ શકે છે. ટ્રાફિક પોલીસ દ્વારા હીરાવાડી મુખ્ય ચાર રસ્તા બેરી કેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યા હોવાથી ટ્રાફિક ઓછો થયો છે. પરંતુ કેટલાક વાહન ચાલકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છે. ૧૦૦ મીટર ફરીને જવાની જગ્યાએ લોકો રોંગ સાઈડમાં જઈ રહ્યા છેય ડિવાઈડર કટ બંધ કર્યા છે. પરંતુ ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડમાં જે લોકો જઈ રહ્યા છે તેમને રોકવામાં આવ્યા નથી.

મુખ્ય ચાર રસ્તા પર ડિવાઇડર બનાવાતા નથી

જ્યારે પણ રોડ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવતું હોય છે, ત્યારે મુખ્ય ચાર રસ્તા પર આમને સામને અવરજવર કરવા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિવાઇડર બનાવવામાં આવતા નથી અને મુખ્ય જંકશન પર ચાર રસ્તા બનાવીને ત્યાં સર્કલ બનાવવામાં આવે છે. પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે મુખ્ય ચાર રસ્તાઓ જ બંધ કરી દેવામાં આવી રહ્યા છે અને ઇજનેર વિભાગનું કામ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સર્કલો બનાવવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા અભિપ્રાય આપવામાં આવે છે, ત્યાર બાદ સર્કલ બનાવવામાં આવે છે. પરંતુ હવે ટ્રાફિક પોલીસ દ્વારા જ આ વિસ્તારમાં બેરીકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવે છે. જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે પ્લાનિંગ કરીને ચાર રસ્તા પર ડિવાઈડર લગાવવા કે નહીં તેનું કામ ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

સર્ક્યુલર રૂટ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે: ટ્રાફિક ડીસીપી

ટ્રાફિક ડીસીપી (પૂર્વ) નરેશ કણજારીયાએ જણાવ્યું કે, પૂર્વમાં દિન પ્રતિદિન ટ્રાફિક સમસ્યા વધી રહી છે. જેને હળવી કરવા મુખ્ય ટ્રાફિક જંકશનનો ઉપર અભ્યાસ કરવામાં આવ્યો હતો. જે અભ્યાસ કર્યા બાદ મુખ્ય ચાર રસ્તાઓ ઉપર બેરીકેડીંગ લગાવી તેને બંધ કરી અને ૧૦૦ મીટર દૂર તેના કટ આપવામાં આવે અને સર્ક્યુલર રૂટ બનાવવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે છે.

હીરાવાડી ચાર રસ્તા ખાતેના મુખ્ય જંકશનને બંધ કરી બંને તરફ ૧૦૦ મીટર કટ આપવામાં આવ્યો છે. જેના કારણે અત્યારે ટ્રાફિકની સમસ્યા જાેવા મળી રહી નથી. જે લોકો રોંગ સાઈડ જઈ રહ્યા છે તેઓને વિનંતી છે કે ટ્રાફિક વ્યવસ્થિત ચાલે તેના માટે રોંગ સાઈડ જાય નહીં. જે કટ બંધ કરવામાં આવ્યા છે ત્યાંથી ૧૦૦ મીટર દૂર કટ આપેલા છે. જ્યાંથી વાહન ચાલકો જઈ શકે છે. મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રહી અને કામગીરી કરવામાં આવી રહી છે જે પ્લાનિંગ આપવામાં આવે છે. માં સહયોગ આપી આ પ્રમાણે કામગીરી કરવામાં આવી રહી છે.