Gujarat

ધોરાજીમાં પાણીની મુખ્ય લાઇનમાં જ ફોલ્ટ સર્જાતાં લોકો 22 દિવસથી તરસ્યા

ધોરાજી કૈલાશ નગર પાસે આવેલ ખોડીયાર નગરના રહીશોને 22 દિવસથી પીવાનું પાણી મળ્યું નથી. પાણીની લાઇનનો ફોલ્ટ ઠીક ન થતાં આ સ્થિતિ સર્જાઇ છે. એક તો પાણી વિતરણ 6 થી 7 દિવસે થાય છે અને તેમાં પાઇપ લાઇનનો ફોલ્ટ સામે આવતાં 22 દિવસથી લોકોને પીવાનું પાણી જ મળ્યું નથી ત્યારે કારમી ગરમીમાં કેવી હાલત થાય તે તંત્રને ધ્યાને આવતું નથી એ લોકોની કઠણાઇ છે.

ધોરાજીમાં સામાન્ય રીતે દર ચાર દિવસે પાણીનું વિતરણ કરવામાં આવે છે પરંતુ સપ્લાય ખોરવાઈ જાય ત્યારે એ પાણી છ થી આઠ દિવસે વિતરણ કરવામાં આવે છે ત્યારે આવા ઉનાળામાં ધોમ ધખતી ગરમીમાં છતાં પાણીએ લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે.

ધોરાજી શહેરને પાણી પૂરું પાડતાં ફોફળ ડેમમાં પાણીનો પર્યાપ્ત જથ્થો હોય પરંતુ પાલિકાના આયોજનના અભાવે લોકોએ પાણી માટે તરસવું પડી રહ્યું છે. આ મામલે વિપક્ષના નેતા દિનેશભાઈ વોરાએ જણાવ્યું હતું કે પાલિકાની ચૂંટણી પૂર્વે ભાજપના અગ્રણીઓ દ્વારા ધોરાજીમાં એકાતરા પાણી વિતરણ થશે તેવા વચનો આપ્યા અને પ્રજાને છેતરી હતી, હવે એકાતરા પાણી વિતરણ થવાની વાત તો દૂર રહી આઠ આઠ દિવસે લોકોને પીવાનું પાણી મળે છે એ પણ ગંદુ અને ડહોળું પાણી મળી રહ્યું છે.