Gujarat

ચોટીલાની સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફી રજીસ્ટ્રેશન કાયમી રદ

ચોટીલાના નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ ચોટીલા શહેરમાં આવેલી સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલના સોનોગ્રાફી મશીનનો નોંધણી પરવાનો કાયમી ધોરણે રદ કરવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત, હોસ્પિટલના બંને સંચાલકો તેમજ બંને ડોકટરો વિરુદ્ધ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) ચોટીલાની કોર્ટમાં કમ્પ્લેન કેસ (CC) દાખલ કરવા માટે મામલતદાર ચોટીલાને અધિકૃત કરવામાં આવ્યા છે.

આ કાર્યવાહી ૧૫ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ નાયબ કલેકટર એચ.ટી. મકવાણા દ્વારા Pre-Conception and Pre-Natal Diagnostic Techniques (PCPNDT) Act 1994ની કલમ ૩૦ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના નોટિફિકેશન ક્રમાંક GP-15-PNDT-102011-933.B-1થી મળેલ સત્તાની રૂએ કરવામાં આવેલી આકસ્મિક તપાસને પગલે કરવામાં આવી હતી. તપાસ દરમિયાન હોસ્પિટલમાં અનેક ગેરરીતિઓ સામે આવતા સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આ કેસમાં સોનોગ્રાફી કરતા ડોકટરો અને હોસ્પિટલના સંચાલકોના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. હોસ્પિટલના સંચાલકોને કારણદર્શક નોટિસ પણ આપવામાં આવી હતી અને તેમને સાંભળ્યા બાદ આ કેસ ઠરાવ પર લેવામાં આવ્યો હતો. ૨૭ ફેબ્રુઆરી, ૨૦૨૬ના રોજ નાયબ કલેકટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલાએ આ કેસનો ઝીણવટપૂર્વક અભ્યાસ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું કે હોસ્પિટલના સંચાલકો અને ગાયનેકોલોજિસ્ટ ડોકટરોએ PCPNDT Act 1994, PCPNDT Rules 1996, સરકારની વખતોવખતની જોગવાઈઓ અને નામદાર હાઈકોર્ટની માર્ગદર્શિકાનું પાલન કર્યું નથી.