Gujarat

સિટી બસ સેવા મુદ્દે રાજકારણ ગરમાયું

ભાવનગર શહેરમાં લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલી સિટી બસ સેવા અત્યારે શહેરના વિકાસને બદલે રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની છે. બસ સેવાના રૂટ અને તેની પહોંચને લઈને વિરોધ પક્ષે સવાલો ઉઠાવ્યા છે, જ્યારે શાસક પક્ષે તેને આયોજનબદ્ધ પ્રક્રિયા ગણાવી વિપક્ષ પર જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે

ભાવનગર શહેરમાં ઘણાં વર્ષો બાદ પ્રધાનમંત્રી ઈ-બસ સેવા અંતર્ગત સીટી બસનો પ્રારંભ થયો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યુઅલ હસ્તે તથા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીની હાજરીમાં સેવાને લીલી ઝંડી આપવામાં આવી હતી પરંતુ શહેરના આંતરિક વિસ્તારોને બદલે ગ્રામ્ય રૂટ પર બસો વધુ દોડાવવામાં આવતા શહેરીજનોમાં રોષ ફેલાયો છે

મહાનગરપાલિકા દ્વારા 17 રૂટ પર સેવા શરૂ કરવાની જાહેરાત છતાં હાલ પ્રથમ તબક્કામાં 50 બસો સાથે માત્ર 7 રૂટ પર સેવા શરૂ થઈ છે, ગંગાજળિયા તળાવથી સિદસર, વાળુકડ, સિહોર, નિષ્કલંક, ભંડારીયા, દેવગણા અને અકવાડા જેવા રૂટ પર બસો ચાલી રહી છે, જે મોટાભાગે ગ્રામ્ય વિસ્તાર આવરી લે છે,

શહેરના નાના વિસ્તારો આજદિન સુધી સીટી બસ સેવાથી વંચિત હોવાથી લોકોને મુખ્ય બજારમાં આવવા-જવા મોંઘા રિક્ષા ભાડા ખર્ચવા પડે છે. વિરોધ પક્ષે આક્ષેપ કર્યો છે કે સીટી બસ સેવા ચૂંટણીલક્ષી ઉતાવળમાં શરૂ કરાઈ છે અને આયોજનના અભાવે શહેરી વિસ્તારોને પૂરતો લાભ મળતો નથી, મહાનગરપાલિકાએ એક મહિનામાં વધુ બસો ફાળવી શહેરના તમામ 17 રૂટ પર નિયમિત સેવા શરૂ કરવાની ખાતરી આપી છે,