પોરબંદર SOG ટીમે ગેરકાયદેસર બંદૂક સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો છે. રાતીયાનેસ ગામની ખારી સીમમાંથી મળેલી બાતમીના આધારે પોલીસે આ કાર્યવાહી કરી હતી. પોલીસને માહિતી મળી હતી કે, સ્મશાન તરફ જતા રસ્તા પાસે એક શંકાસ્પદ વ્યક્તિ ગેરકાયદેસર હથિયાર સાથે ફરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને શંકાસ્પદ વ્યક્તિને રોકી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન, આરોપી પાસેથી પાસ-પરમિટ વગરની દેશી હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી. પોલીસે આ બંદૂક કબજે કરી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 1,000 આંકવામાં આવી છે. પકડાયેલ આરોપીની ઓળખ ફિરોઝ ઉર્ફે ગફાર કાળુભાઈ મોરી ડફેર (ઉ.વ. 38), રહે. જામટીબડી, તા. ઉપલેટા, જી. રાજકોટ અને હાલ રાતીયાસીમ, તા. જી. પોરબંદર તરીકે થઈ છે. માધવપુર પોલીસે આરોપી વિરુદ્ધ હથિયાર ધારા કલમ 25(1-બી)એ અને જી.પી. એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

