સુરતમાં ધાર્મિક આસ્થાના પ્રતીક સમાન પ્રસાદનો ઉપયોગ કરીને એક આખા પરિવારને ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યું છે. ઉત્રાણની શાલીગ્રામ હાઇટ્સમાં રહેતા એક પરિવારને અજાણ્યા શખસો દ્વારા દરવાજા પર ઝેરયુક્ત લાડુનો પ્રસાદ લટકાવીને મોતના મુખમાં ધકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં હવે પોલીસે CCTVના આધારે પાંચ જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની ઓળખ કરી તેમની પૂછપરછ શરૂ કરી છે.
ઘરે આવ્યા ત્યારે દરવાજા પર પ્રસાદીની થેલી મળી ઉત્રાણ વિસ્તારમાં આવેલી લક્ઝુરિયસ સોસાયટી પૈકીની એક ‘શાલીગ્રામ હાઇટ્સ’માં ગોરધનભાઇ વશરામભાઇ ડોંડા પોતાના પરિવાર સાથે રહે છે. ગત તા. 10મીના રોજ બપોરના સમયે જ્યારે ગોરધનભાઇ પોતાના ઘરે આવ્યા ત્યારે તેમણે ઘરના મુખ્ય દરવાજાના હેન્ડલ પર એક થેલી લટકતી જોઈ હતી. આ થેલીમાં બુંદીના લાડુ હતા. સામાન્ય રીતે ધાર્મિક પ્રસંગો કે બાધા-આખડી પૂરી થતી હોય ત્યારે પરિચિતો કે પડોશીઓ આ રીતે પ્રસાદ વહેંચતા હોય છે, તેથી ગોરધનભાઇને કોઈ શંકા ગઈ ન હતી.
તેઓ આ પ્રસાદ ઘરે લઈ ગયા હતા. પરિવારના સભ્યો વચ્ચે આ પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ગોરધનભાઇ પોતે, તેમના પત્ની અને તેમની પુત્રવધુએ આ લાડુ ખાધા હતા. જોકે, લાડુ ખાધાના થોડા જ સમયમાં ત્રણેય સભ્યોની તબિયત એકાએક લથડવા માંડી હતી. તેમને ચક્કર આવવા, ઉલટી થવી અને બેચેની જેવી અસરો વર્તાતા પરિવારમાં ફાળ પડી હતી.
પરિવારના સભ્યોની તબિયત નાજુક તબિયત વધુ બગડતા તાત્કાલિક અસરથી ત્રણેય વ્યક્તિઓને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઝેરની અસર ગોરધનભાઇ પર સૌથી વધુ જોવા મળી છે. તેમની ઉંમર અને ઝેરના પ્રમાણને જોતા હાલમાં તેમની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે અને તેઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. જ્યારે અન્ય બે સભ્યોની સ્થિતિ હાલ સ્થિર છે પરંતુ તેઓ તબીબોના સઘન નિરીક્ષણ હેઠળ છે.

