Gujarat

વિધાનસભામાં રાજકીય ઘમાસાણની તૈયારી

ગુજરાત વિધાનસભા સત્રનો ૨૧મો દિવસ આજે રાજકીય રીતે મહત્વપૂર્ણ છે. સત્રની શરૂઆત પ્રશ્નોત્તરીકાળથી કરવામાં આવશે. આજના દિવસ દરમિયાન ઊર્જા અને પંચાયત વિભાગ સાથે સાથે આરોગ્ય વિભાગના પ્રશ્નો પર વિસ્તૃત ચર્ચા હાથ ધરાશે.

ઉપરાંત, બંને વિભાગોના બજેટ અંગે ચર્ચા તથા માંગણીઓ પર પણ સભ્યો વચ્ચે ચર્ચા થશે. આગામી દિવસોમાં મહત્વપૂર્ણ બિલોને ધ્યાનમાં રાખીને સત્ર વધુ ગરમાવવાની સંભાવના છે. આ વચ્ચે, ભાજપ દ્વારા પોતાના તમામ ધારાસભ્યોને મહત્વપૂર્ણ સૂચના આપવામાં આવી છે. આગામી ત્રણ દિવસ વિધાનસભામાં ફરજિયાત હાજર રહેવા માટે મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષના નામે પત્ર લખવામાં આવ્યો છે. સાથે જ અંતિમ બે દિવસ દરમિયાન વિવિધ ૭ મહત્વપૂર્ણ બિલોની ચર્ચા યોજાનાર હોવાથી, તેમાં હાજરી અનિવાર્ય રાખવા સૂચના આપવામાં આવી છે. ભાજપના મુખ્ય દંડક દ્વારા પણ આ અંગે અલગથી પત્ર લખવામાં આવ્યો છે.

વિશેષ રીતે, આવતીકાલે ૨૪ માર્ચે યુનિફોર્મ સિવિલ કોડ વિધેયક રજૂ થવાનું છે, જેને લઈ રાજકીય ગરમાવો વધવાની શક્યતા છે. વિધાનસભાના ૨૨માં દિવસે આ બિલ પર ચર્ચા કરવામાં આવશે. આ બિલ મુખ્યમંત્રી અથવા નાયબ મુખમંત્રી દ્વારા રજૂ કરવામાં આવી શકે છે. આવતીકાલે કુલ ૪ વિધેયક પર ચર્ચા યોજાનાર છે, જેના કારણે વિધાનસભામાં રાજકીય ચહલપહલ વધુ તેજ બનવાની શક્યતા છે.