Gujarat

રેલવે ડબલિંગ પ્રોજેક્ટનું વડાપ્રધાન મોદીએ ઈ-લોકાર્પણ કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાત દરમિયાન વાવ-થરાદ ખાતેથી રૂ. 19,800 કરોડથી વધુના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પો રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. આ પૈકી, રૂ. 900 કરોડના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં રૂ. 257 કરોડના ખર્ચે 27 કિલોમીટર લાંબા કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પરિયોજનાનું ઈ-લોકાર્પણ પણ સામેલ હતું.

આ પરિયોજનાના ઈ-લોકાર્પણના ભાગરૂપે જામનગર રેલવે સ્ટેશન ખાતે એક ઉજવણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સાંસદ પૂનમ માડમની અધ્યક્ષતામાં યોજાયો હતો.

કાર્યક્રમમાં સંબોધન કરતા સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનાલુસ-જામનગર રેલખંડ ડબલિંગ પ્રોજેક્ટ સહિતના રેલવે પ્રકલ્પોનું લોકાર્પણ કરીને ગુજરાત સહિત દેશના રેલવે માળખાકીય વિકાસને નવી ગતિ આપી છે. આ જામનગર માટે ગૌરવની વાત છે.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાનના દુરંદેશી નેતૃત્વ હેઠળ દેશના દરેક ખૂણે વિકાસના કાર્યો ઝડપથી આગળ વધી રહ્યા છે. મજબૂત કનેક્ટિવિટી દ્વારા છેવાડાના વિસ્તાર સુધી વિકાસ શક્ય બને છે. આ ડબલિંગ લાઇન માત્ર એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નથી, પરંતુ તે વિકાસ, ઝડપી પરિવહન અને નવી તકોનું પ્રતીક છે. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો અને લોકોએ વાવ-થરાદ ખાતેના મુખ્ય કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

કાર્યક્રમમાં ધારાસભ્યો મેઘજી ચાવડા, દિવ્યેશ અકબરી, રાજકોટ ડિવિઝનના ડીઆરએમ ગિરિરાજ મીના, અગ્રણીઓ બીનાબેન કોઠારી અને ડો. વિનોદ ભંડેરી, ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના પ્રમુખઓ, મહામંત્રીઓ, રાજકોટ ડિવિઝન તથા જામનગર રેલવે વિભાગના અધિકારીઓ, આગેવાનો, વિદ્યાર્થીઓ અને વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.