Gujarat

વીજ કર્મચારીઓની હડતાળ પર પ્રતિબંધ – 6 મહિના માટે ESMA અમલમાં

રાજ્યમાં વીજ પુરવઠો સતત અને અવરોધરહિત રહે તે હેતુસર ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી આવશ્યક સેવા જાળવણી અધિનિયમ (ESMA) હેઠળ વીજ ક્ષેત્રે હડતાળ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામું 20 માર્ચ, 2026થી આગામી 6 મહિના સુધી અમલમાં રહેશે.

સરકારે જણાવ્યું છે કે રાજ્યમાં વીજ પુરવઠો ખોરવાય નહીં અને સામાન્ય જનજીવન, ઉદ્યોગો તથા કૃષિ ક્ષેત્ર પર કોઈ અસર ન થાય તે માટે આ પગલું લેવામાં આવ્યું છે. તાજેતરમાં વીજ કર્મચારીઓ દ્વારા હડતાળની શક્યતાઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કડક વલણ અપનાવ્યું છે.

આ પ્રતિબંધ નીચેના તમામ ક્ષેત્રો અને કર્મચારીઓ માટે લાગુ પડશે

  • વીજળી ઉત્પન્ન કરતી કંપનીઓ
  • વીજ ટ્રાન્સમિશન સેવાઓ
  • ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ
  • ઇલેક્ટ્રિકલ પાવર ટ્રેડિંગ અને કો-ઓર્ડિનેશન પ્રવૃત્તિ સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ