Gujarat

APMC ગ્રાઉન્ડ પર 15 માર્ચ સુધી સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન

વડોદરા જિલ્લાના ડભોઈ ખાતે APMC ગ્રાઉન્ડ પર ‘સ્વદેશી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. ડભોઈ નગરપાલિકા દ્વારા સરકારના સહયોગથી આ મેળો 15 માર્ચ સુધી ચાલશે. તેનો મુખ્ય હેતુ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવાનો અને ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને મજબૂત બનાવવાનો છે.

આ મેળામાં સ્થાનિક કારીગરો, મહિલા સખીમંડળો અને નાના ગૃહઉદ્યોગકારોને તેમની વસ્તુઓ વેચવા માટે પ્લેટફોર્મ મળી રહ્યું છે. અહીં વિવિધ પ્રકારના સ્વદેશી ઉત્પાદનો, હસ્તકલા, ઘરગથ્થુ સામગ્રી, ખાદ્યપદાર્થો અને પ્રાકૃતિક સામગ્રીમાંથી બનેલી ચીજવસ્તુઓના 50થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે.

કાર્યક્રમનો પ્રારંભ મહાનુભાવોના સ્વાગત સાથે થયો હતો. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને મેળાનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ છેલ્લા 11 વર્ષથી ‘વોકલ ફોર લોકલ’ અભિયાન મજબૂત બન્યું છે, જેનાથી સ્થાનિક ગૃહઉદ્યોગોને નવી ઓળખ મળી છે. તેમણે નાગરિકોને સ્વદેશી અને સ્થાનિક બનાવટની વસ્તુઓ ખરીદવા અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું કે 2047 સુધીમાં ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરવા માટે સરકાર છેવાડાના નાગરિકોના વિકાસ અને મહિલા સશક્તિકરણ પર વિશેષ ધ્યાન આપી રહી છે.

આ કાર્યક્રમમાં નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકા પ્રમુખ બીરેન શાહ, APMC ચેરમેન દિલીપ પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ અશ્વિન વકીલ, નગરપાલિકા સભ્યો, મેનેજર મહેશ, અર્ચના, પ્રવીણ સહિત નગરપાલિકા કર્મચારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.