ગુજરાત સરકારે Guja®a Regist®aion of Marriages Act, 2006 હેઠળ લગ્ન નોંધણી પ્રક્રિયામાં મહત્વપૂર્ણ સુધારા કરવા માટે ગેઝેટમાં ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કર્યું છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા આ પ્રસ્તાવ મુજબ હવે લગ્ન નોંધણી વધુ કડક અને પારદર્શક બનાવાશે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી આ સૂચનાના આધારે ૩૦ દિવસ સુધી જનતા તરફથી વાંધા-સૂચનો માંગવામાં આવ્યા છે.
સુધારાઓ મુજબ હવે લગ્ન નોંધણી માટેનો મેમોરેન્ડમ સંબંધિત આસિસ્ટન્ટ રજિસ્ટ્રારને જમા કરાવવો પડશે અને તેની સાથે નક્કી કરાયેલ ફોર્મ તથા ફી ફરજિયાત રહેશે. વર-વધુની સહી સાથે બે સાક્ષીઓની સહી જરૂરી રહેશે.
જરૂરી દસ્તાવેજાેમાં વધારો:
વર-વધુના ફોટો ઓળખપત્રની નકલ (આધાર, ડ્રાઈવિંગ લાઈસન્સ, પાસપોર્ટ વગેરે)
વર, વધુ અને સાક્ષીઓના આધાર કાર્ડ
જન્મ પ્રમાણપત્ર અથવા સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ
લગ્નનું આમંત્રણ કાર્ડ (હોય તો)
વર-વધુનો અલગ-અલગ પાસપોર્ટ સાઇઝનો ફોટો
લગ્ન સમયે લીધેલી એક સંયુક્ત તસવીર
માતા-પિતાની વિગતો ફરજિયાત
સુધારા મુજબ હવે વર અને વધુ બંનેએ તેમના માતા-પિતાની સંપૂર્ણ માહિતી આપવી પડશે, જેમાં આધાર કાર્ડ (હોય તો), પૂરું નામ, રહેઠાણનું સરનામું અને મોબાઇલ નંબર સામેલ રહેશે.
૧૦ દિવસમાં માતા-પિતાને જાણ
સૌથી મહત્વપૂર્ણ ફેરફાર એ છે કે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા મેમોરેન્ડમ પૂર્ણ હોવાની ખાતરી થયા બાદ ૧૦ દિવસની અંદર વર-વધુના માતા-પિતાને સ્પીડ પોસ્ટ અથવા અન્ય માધ્યમથી લગ્ન અંગે જાણ કરવામાં આવશે.
૩૦ દિવસ બાદ જ નોંધણી
મેમોરેન્ડમ પ્રાપ્ત થયાની તારીખથી ૩૦ દિવસ પૂર્ણ થયા બાદ જ લગ્નની નોંધણી કરવામાં આવશે. ત્યારબાદ જ દંપતીને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ આપવામાં આવશે.
સરકારનું કહેવું શું?
સરકારનું કહેવું છે કે લગ્ન નોંધણી પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા અને કાનૂની સુરક્ષા મજબૂત બનાવવા માટે આ સુધારા કરવામાં આવ્યા છે. પ્રસ્તાવિત નિયમો અંગે કોઈપણ વ્યક્તિ ૩૦ દિવસની અંદર લેખિતમાં વાંધા અથવા સૂચનો આપી શકે છે. આ સુધારાઓ અમલમાં આવ્યા બાદ રાજ્યમાં લગ્ન નોંધણીની પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત અને જવાબદાર બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

