અમદાવાદની અલગ-અલગ કાપડની કંપનીઓ પાસેથી નવી દિલ્હીના બે વેપારીએ મોટા પાયે કાપડ ખરીદીને કુલ રૂ. 4.62 કરોડની રકમ ન ચૂકવીને છેતરપિંડી કરી હોવા અંગેની ફરિયાદ આર્થિક ગુના નિવારણ શાખામાં નોંધાઈ છે.
ફરિયાદીની ઓફિસે આવીને સંપર્ક કર્યો હતો મળતી માહિતી મુજબ, નવરંગપુરા વિસ્તારમાં આવેલા એલ.પી. હાઉસ, શ્રેયસ કોલોની ખાતે કાર્યરત ‘એલ બી ટેક્ષ પ્રા. લી.’ નામની કંપનીમાં સિનીયર જનરલ મેનેજર તરીકે નોકરી કરતા અંકિતભાઈ જોગીનકુમાર શાહ (ઉં.વ. 37) દ્વારા આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવવામાં આવી છે કે, નવી દિલ્હીની ગીતા કોલોનીમાં આવેલી ‘એ.એમ. એન્ટરપ્રાઇઝ’ ના પ્રોપરાઇટર અનીલ રાજેન્દ્ર મદન અને ‘નમહ ફેબ્રીક્સ’ ના માલીક પીયુષ ગહલોટ એક જ ઓફિસ ધરાવે છે. 2025માં આ બંને દિલ્હીના વેપારીએ કાપડ લેવા માટે ફરિયાદીની ઓફિસે આવીને સંપર્ક કર્યો હતો.
ઉઘરાણી બાદ પણ પૈસા ન આપતા ફરિયાદ વેપારની શરૂઆતમાં આ બંને આરોપીઓએ કાપડનો માલ ખરીદીને 30 દિવસની ઉધારીના વાયદા મુજબ ટુકડે-ટુકડે નાણાં ચૂકવીને વેપારીઓનો પૂરેપૂરો ભરોસો જીતી લીધો હતો.
પરંતુ ત્યારબાદ તેઓની દાનત બગડી હતી અને એપ્રિલ-2025થી માર્ચ-2026ના સમયગાળા દરમિયાન ‘એલ બી ટેક્ષ પ્રા. લી.’ સહિત શહેરની અન્ય ત્રણ પેઢીઓ પાસેથી લાખો રૂપિયાનો ડેનીમ અને અન્ય કાપડનો માલ ખરીદી લીધો હતો. ત્યારબાદ તેઓએ પેમેન્ટ ચૂકવવાનું બંધ કરી દીધું હતું અને વારંવાર ઉઘરાણી કરવા છતાં પૈસા કે માલ પરત આપ્યા ન હતા. છેવટે તેમણે આર્થિક ગુના નિવારણ શાખામાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

