Gujarat

ગળોદર ધાર પાસે દરોડો પાડી 13.69 લાખનો મુદ્દામાલ જપ્ત, 5 જેલભેગા, મુખ્ય સૂત્રધાર ફરાર

​જૂનાગઢ જિલ્લામાં લાંબા સમયથી બાયોડીઝલ અને જ્વલનશીલ પ્રવાહીના ગેરકાયદે વેચાણની વ્યાપક ફરિયાદો ઉઠી રહી હતી. સ્થાનિક પોલીસ જ્યારે ઊંઘતી ઝડપાઈ છે ત્યારે ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે માળિયા હાટીના પંથકમાં મોડી રાત્રે ઓપરેશન હાથ ધરીને મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. માળિયા-સાસણ હાઈવે પર આવેલી એક એન્ટરપ્રાઈઝમાં દરોડો પાડી પાંચ શખસને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે, જ્યારે મુખ્ય સૂત્રધાર હજુ પોલીસ પકડથી દૂર છે.

​બાતમીના આધારે SMCનું ગુપ્ત ઓપરેશન સ્ટેટ મોનિટરિંગ સેલને સચોટ બાતમી મળી હતી કે માળિયા હાટીના તાલુકાના ગળોદર ધાર પાસે આવેલા ‘સૂર્ય વંદના એન્ટરપ્રાઈઝ’ ખાતે પ્રતિબંધિત અને ભેળસેળયુક્ત જ્વલનશીલ પ્રવાહીનું મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે.

વડાળા ગામનો વિક્રમ મૈયાભાઈ ભુરાણી અને તેનો સાળો દિલીપસિંહ સિંધવ બહારથી ટેન્કરો દ્વારા સસ્તા ભાવે ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રવાહી મંગાવતા હતા. આ પ્રવાહીને બજારભાવ કરતા ઓછી કિંમતે બાયોડીઝલ તરીકે વાહનચાલકોને પધરાવી દઈને મોટો આર્થિક નફો રળવામાં આવતો હતો.

ગુરુવાર સાંજથી ગઈકાલ સવાર સુધી ચાલી કાર્યવાહી SMCની ટીમે ગુરુવારે સાંજે ઓચિંતો દરોડો પાડતા અફરાતફરી મચી ગઈ હતી. ગઈકાલની વહેલી સવાર સુધી ચાલેલી આ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ કબજે કરાયો છે, જેમાં 1700 લીટર ભેળસેળયુક્ત પેટ્રોલિયમ પ્રવાહી (કિંમત રૂ. 1.22 લાખ),જમીનમાં દાટેલી ધાતુની મોટી ટાંકી, રોકડ રકમ અને ચલણી નોટો ગણવાનું મશીન, ઇલેક્ટ્રિક મોટર અને ફ્યુલિંગ માટેના સાધનો, બે વાહનો અને પાંચ મોબાઈલ ફોન મળી 13.69 લાખનો મુદ્દામાલ મુદ્દામાલ કબજે કર્યો છે.