રાજકોટ ઐતિહાસિક ક્ષણનું સાક્ષી બનવા જઈ રહ્યું છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત @ 2047ના વિઝન સાથે રાજકોટના આંગણે વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સનું બપોરે ઉદ્ઘાટન કરશે.
આ તકે દેશના ટોચના ઉદ્યોગપતિ અને રિલાયન્સ જૂથના મુકેશ અંબાણી, વેલસ્પન ગ્રૂપના બી.કે.ગોએન્કા અને અદાણી પોર્ટ ગ્રૂપના કરણ અદાણી ખાસ હાજર રહેશે. સાથે જ ઉદ્ઘાટન સમારોહમાં રવાન્ડાના હાઇકમિશનર અને યુક્રેનના રાજદૂત પણ વિશેષ હાજરી આપશે.
રાજકોટની મારવાડી યુનિવર્સિટી ખાતે કચ્છ અને સૌરાષ્ટ્ર રીજનલ વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. આ તકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સંબોધન કરશે.નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સ્વાગત પ્રવચન આપશે.
રાજકોટ વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં સૌથી મહત્ત્વની બાબત એ છે કે, રિલાયન્સ ગ્રૂપના ટોચના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, વેલસ્પન ગ્રૂપના બી.કે. ગોએન્કા, અદાણી પોર્ટ એન્ડ સેઝના એમડી કરણ અદાણી અને રાજકોટનું ગૌરવ એવા જ્યોતિ સીએનસી ગ્રૂપના એમડી પરાક્રમસિંહજી જાડેજા પણ હાજરી આપી ઉદ્ઘાટન કાર્યક્રમમાં સંબોધન કરશે.
વાઇબ્રન્ટ રીજનલ કોન્ફરન્સમાં જાપાન, દક્ષિણ કોરિયા, યુક્રેન અને રવાન્ડા દેશ ભાગીદાર દેશ બન્યા છે, ત્યારે રવાન્ડાના હાઇ કમિશનર જેક્લીન મુકાંગીરા અને ભારતમાં યુક્રેનના રાજદૂત ડૉ.એલેક્ઝાન્ડર પોલિશચુક પણ આ પ્રસંગે ખાસ હાજરી આપશે.

