નશીલા પદાર્થો વિરૂદ્ધના અભિયાનમાં રાજકોટ પોલીસને વધુ એક મોટી સફળતા મળી છે, રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસ દ્વારા જસદણ તાલુકાના ભડલી ગામમાં એક શખ્સે પોતાની વાડીમાં છૂપી રીતે કરેલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. પોલીસે લાખોની કિંમતનો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો જપ્ત કરી ખેતી કરનાર શખ્સની ધરપકડ કરી છે.
ભડલી ગામની સીમમાં રહેતા રમેશ જાદવ નામના શખ્સે પોતાની વાડીમાં અન્ય પાકોની વચ્ચે નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કર્યું હોવાની ચોક્કસ બાતમી રાજકોટ ગ્રામ્ય એસઓજી ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરતા વાડીમાંથી ગાંજાના લીલાછમ છોડ મળી આવ્યા હતા, જેને જાેઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
પોલીસે વાડીમાંથી કુલ ૭૪ કિલો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બજારમાં આ જથ્થાની અંદાજિત કિંમત ૩૭.૧૦ લાખ રૂપિયા આંકવામાં આવી રહી છે. પોલીસે સ્થળ પરથી વાવેતર કરનાર આરોપી રમેશ જાદવની અટકાયત કરી છે અને તેની સામે એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષકની સૂચનાથી હાલમાં ‘ડ્રગ્સ ફ્રી ગુજરાત‘ અભિયાન હેઠળ કડક ચેકિંગ ચાલી રહ્યું છે. આ જથ્થો આરોપીએ ક્યાં સપ્લાય કરવા માટે વાવ્યો હતો અને આમાં અન્ય કોઈ શખ્સો સામેલ છે કે કેમ, તે દિશામાં એસ.ઓ.જી.ની ટીમે ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.

