Gujarat

હોળી-ધૂળેટી પર્વ પર ગુજરાત એસ.ટી. નિગમનું સુદ્રઢ આયોજન, રેકોર્ડબ્રેક 3.14 લાખ મુસાફરોએ લીધો લાભ

જરાતના લોકપ્રિય પર્વ હોળી અને ધૂળેટી નિમિત્તે પોતાના વતન અને પરિવાર સાથે ઉત્સવ મનાવવા આતુર નાગરિકો માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) આશીર્વાદરૂપ સાબિત થયું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના સીધા માર્ગદર્શન હેઠળ આ વર્ષે નિગમે ગત વર્ષના તમામ રેકોર્ડ તોડીને મુસાફરોને શ્રેષ્ઠ અને સુદ્રઢ પરિવહન સેવા પૂરી પાડી છે. 27 ફેબ્રુઆરીથી 4 માર્ચ 2026 દરમિયાન આયોજિત આ વિશેષ કામગીરીમાં નિગમે પોતાની કાર્યક્ષમતાનો પરિચય આપ્યો છે.

વધારાની 7400 ટ્રીપ અને મુસાફરોનો અભૂતપૂર્વ પ્રતિસાદ મુસાફરોના ભારે ધસારાને પહોંચી વળવા માટે એસ.ટી. નિગમ દ્વારા આ વર્ષે કુલ 7400 જેટલી વધારાની (એક્સ્ટ્રા) ટ્રીપનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું હતું. આ વિશેષ આયોજનના ફળસ્વરૂપે રાજ્યના અંદાજે 3.14 લાખ મુસાફરોએ સલામત અને સમયસર મુસાફરીનો લાભ લીધો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે આંકડાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ગત વર્ષે નિગમ દ્વારા 7100 ટ્રીપ દ્વારા 2.80 લાખ મુસાફરોને સેવા આપવામાં આવી હતી, જેની સામે આ વર્ષે ટ્રીપ અને મુસાફરો એમ બંને ક્ષેત્રે નવા શિખરો સર થયા છે.

હોળીના પર્વ પર ડાકોર સ્થિત રણછોડરાયજીના દર્શનનું વિશેષ આધ્યાત્મિક મહત્વ છે. આ બાબતને ધ્યાને રાખી નિગમ દ્વારા ડાકોર ખાતેથી સૌથી મોટું સંચાલન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખાસ 3600 ટ્રીપ ચલાવવામાં આવી હતી, જેના માધ્યમથી 1.32 લાખ દર્શનાર્થીઓએ ભગવાનના દર્શન માટે સુવિધાજનક મુસાફરી કરી હતી. આ સફળ આયોજનને કારણે શ્રદ્ધાળુઓને ભારે ધસારા વચ્ચે પણ કોઈ અગવડ પડી નહોતી.