૨ માર્ચે બપોરે નભોઈ પાસેની નર્મદા કેનાલમાં અકસ્માતે ખાબકેલી ૫૩ વર્ષીય મહિલાને ફરજ પર હાજર ફાયર જવાનોએ ત્વરિત કાર્યવાહી કરી બચાવી લીધી હતી. ઉલ્લેખનીય છેકે હોળી ધુળેટીના પર્વને લઈ ૨થી ૪માર્ચ સુધી ૨૬ ટીમો સાબરમતી નદી અને નર્મદા કેનાલના વિવિધ ૧૧ જેટલા સંવેદનશીલ પોઈન્ટ્સ પર સવારે ૯થી રાત્રે ૮ વાગ્યા સુધી સતત મોનિટરિંગ કરી રહી છે.
હોળી અને ધુળેટીના પવિત્ર પર્વની ઉજવણી દરમ્યાન કોઈ અનિચ્છનીય ઘટના ઘટે નહીં માટે ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર રાજેશ પટેલના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવેલા વિશેષ બંદોબસ્તને કારણે નર્મદા કેનાલમાં ખાબકેલી મહિલાને ગણતરીની મિનિટોમાં સહી-સલામત બહાર કાઢી લેવામાં આવી હતી. આજે બપોરે આશરે નભોઈ પાસે પસાર થતી નર્મદા કેનાલમાં એક ૫૩ વર્ષીય મહિલા અકસ્માતે ખાબક્યા હતા.
દરમિયાન ધુળેટીના બંદોબસ્ત માટે ત્યાં અગાઉથી જ તૈનાત ફાયર વિભાગના જવાનો મયુરધ્વજસિંહ ચાવડા, હર્ષિલ સાધુ અને વનરાજસિંહ ગોહિલે ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર કેનાલમાં ઝંપલાવ્યું હતું. અને ભારે જહેમત બાદ મહિલાને સુરક્ષિત રીતે બહાર કાઢી અડાલજ પોલીસને સોંપવામાં આવ્યા હતા.

