Gujarat

પાટડીના જરવલામાં 28 પાળિયાનું પુનઃસ્થાપન

પાટડી તાલુકાના જરવલા ગામે ઇતિહાસ જાગૃતિ અને સામાજિક સમરસતાનો એક અનોખો કાર્યક્રમ યોજાયો હતો. ગામના પાદરમાં આવેલા 28 જેટલા પ્રાચીન પાળિયાઓનું પુનઃસ્થાપન કરી, ગ્રામજનોએ અજ્ઞાત વીરોને શ્રદ્ધાંજલિ આપી હતી અને સમરસતાનો સંદેશ આપ્યો હતો.

આ પાળિયાઓ પરોપકાર માટે ખપી ગયેલા અજ્ઞાત વીરોના સ્મારકો છે, જેની માહિતી ઉપલબ્ધ નહોતી. ઝરવલાના ઝાલા ક્ષત્રિયોના આમંત્રણથી સંશોધકો લકીરાજસિંહજી ભાલાળા, મયુરસિંહજી કોંઢ, રાજરાણા પ્રહલાદસિંહજી સોખડા અને સંજયસિંહજી અણીદરાએ ગામના ઇતિહાસ અને વીર પુરુષો વિશે જાણકારી મેળવવા પ્રવાસ કર્યો હતો. કનુભાઈ પરસોતમભાઈ બારોટના ચોપડામાંથી ઐતિહાસિક સંદર્ભો મળ્યા બાદ ગ્રામજનોને વિસ્તૃત માહિતી પ્રાપ્ત થઈ હતી.

આ જીર્ણોદ્ધાર ઉત્સવમાં તમામ પાળિયાનું પૂજન-અર્ચન, શોભાયાત્રા, નવચંડી યજ્ઞ, મહાપ્રસાદ અને ચિંતન સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઝાલાવાડ ક્ષત્રિય સમાજના પ્રમુખ રુદ્રસિંહજી ઝાલા, ઉપપ્રમુખ અશોકસિંહજી રંગપર, ઉપપ્રમુખ વિક્રમસિંહજી બજરંગપુરા, દેવેન્દ્રસિંહજી વણા, હરપાલસિંહ ઝાપોદર, ધર્મેન્દ્રસિંહજી બામરોલી અને રવિરાજસિંહ મહાદેવપુરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.