Gujarat

કાળીયાબીડમાં મંગેતર સામે યુવકને છરી મારી લૂંટ કરનારા ઝડપાયા

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાત્રિના સમયે સગાઈ થયેલા યુગલ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના બની હતી. નીલમબાગ પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટારુ હરેશ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડ અને વિપુલ જીવરાજભાઈ જાદવને ઝડપી પાડ્યાં છે. આજે આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, હવે પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે.

ઘટનાની વિગત ફરિયાદી દિશાબેન ડાભીના જણાવ્યા અનુસાર, ગત 1 એપ્રિલના રોજ તેઓ તેમના મંગેતર મનદીપસિંહ અને પરિવાર સાથે વરતેજ ખાતે જમીને પરત ફરી રહ્યા હતા. રાત્રે અંદાજે 10.30 વાગ્યાના સુમારે કાળીયાબીડથી બોરતળાવ તરફ જતા કાચા રસ્તે તેઓ વાતો કરવા ઉભા રહ્યા હતા. આ દરમિયાન સ્કૂટર પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ છરી બતાવી પૈસાની માંગણી કરી હતી.

લૂંટારુઓએ મનદીપસિંહના પડખામાં છરીના બે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, તેમજ ગાલ અને હાથના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે દિશાબેને આ ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને ધક્કો મારી પછાડી દેવામાં આવ્યા હતા. લૂંટારુઓ 20 હજારની કિંમતનો મોબાઈલ, ચાંદીના સાંકળા અને રોકડ રકમ સહિત કુલ અંદાજે 30 હજારથી વધુની મતા લૂંટીને નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મનદીપસિંહને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.