Gujarat

કાળીયાબીડમાં મંગેતર સામે યુવકને છરી મારી લૂંટ કરનારા ઝડપાયા

પોલીસે ક્રાઈમ સ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કર્યું, રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાશે

ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં બે દિવસ પૂર્વે રાત્રિના સમયે સગાઈ થયેલા યુગલ પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવવાની ઘટના બની હતી. નીલમબાગ પોલીસે ગણતરીના દિવસોમાં જ લૂંટારુ હરેશ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડ અને વિપુલ જીવરાજભાઈ જાદવને ઝડપી પાડ્યાં છે. આજે આરોપીઓને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, હવે પોલીસ રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે.

ઘટનાની વિગત: ફરિયાદી દિશાબેન ડાભીના જણાવ્યા અનુસાર, ગત ૧ એપ્રિલના રોજ તેઓ તેમના મંગેતર મનદીપસિંહ અને પરિવાર સાથે વરતેજ ખાતે જમીને પરત ફરી રહ્યા હતા. રાત્રે અંદાજે ૧૦.૩૦ વાગ્યાના સુમારે કાળીયાબીડથી બોરતળાવ તરફ જતા કાચા રસ્તે તેઓ વાતો કરવા ઉભા રહ્યા હતા. આ દરમિયાન સ્કૂટર પર આવેલા બે બુકાનીધારી શખ્સોએ છરી બતાવી પૈસાની માંગણી કરી હતી.

લૂંટારુઓએ મનદીપસિંહના પડખામાં છરીના બે જીવલેણ ઘા ઝીંકી દીધા હતા, તેમજ ગાલ અને હાથના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. જ્યારે દિશાબેને આ ઘટનાનો વીડિયો ઉતારવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેમને ધક્કો મારી પછાડી દેવામાં આવ્યા હતા. લૂંટારુઓ ૨૦ હજારની કિંમતનો મોબાઈલ, ચાંદીના સાંકળા અને રોકડ રકમ સહિત કુલ અંદાજે ૩૦ હજારથી વધુની મતા લૂંટીને નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત મનદીપસિંહને તાત્કાલિક સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

દિશાબેનની ફરિયાદના આધારે નીલમબાગ પોલીસે તપાસ તેજ કરી બંને શખ્સોને દબોચી લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં હરેશ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડ (ઉં.વ.૨૮, રહે. વાળુકડ ગામ) અને વિપુલ જીવરાજભાઈ જાદવ (ઉં.વ. ૨૬, રહે. બોરતળાવ મફતનગર)નો સમાવેશ થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલો મુદ્દામાલ રિકવર કરવાની તજવીજ હાથ ધરી છે.

આ અંગે નિલમબાગ પોલીસ મથકના ઇન્ચાર્જ પી.આઈ ભલગરિયાએ દિવ્ય ભાસ્કર સાથેની ટેલિફોનિક વાતચીતમાં કહ્યું કે, ગતરોજ બંન્ને હુમલાખોરની ધરપકડ કરવામાં આવી છે. મુદ્દામાલ અંગેની પૂછપરછ દરમિયાન શખ્સો પાસેથી એક મોબાઈલ અને રોકડ રૂ. ૨૬૦૦ કબ્જે કરવામાં આવી. ત્યારબાદ આજરોજ સવારના સમયે હરેશ ઉર્ફે વિજય ભૂપતભાઈ રાઠોડ તેમજ વિપુલ જીવરાજભાઈ જાદવ બંન્નેને પોલીસ બંદોબસ્ત સાથે ઘટનાસ્થળે લઈ જઈ રિ-કન્સ્ટ્રક્શન કર્યું હતું. વધુમાં જણાવ્યું હતું કે, બાકી રહેતો મુદ્દામાલ કબ્જે કરવા અંગે બન્ને શખ્સોને આજરોજ નામદાર કોર્ટમાં પોલીસ રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા છે.