Gujarat

દ્વારકામાં જામજોધપુરના બે પદયાત્રીઓ સાથે લૂંટ

દ્વારકામાં ફુલડોલ ઉત્સવ નિમિત્તે દર્શનાર્થે આવેલા બે પદયાત્રી શ્રદ્ધાળુઓને નશીલો પદાર્થ પીવડાવી લૂંટી લેવાનો બનાવ સામે આવ્યો છે. અજાણ્યા શખ્સોએ શેરડીના રસમાં નશાકારક પ્રવાહી ભેળવી તેમને બેભાન કર્યા બાદ દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જામજોધપુર તાલુકાના તરસાઈ ગામના રૂડાભાઈ હાજાભાઈ મુંધવા (ઉં.વ. 60) તેમના કુટુંબીજનો સાથે 26 ફેબ્રુઆરીએ તરસાઈથી પગપાળા દ્વારકા જવા નીકળ્યા હતા. તેઓ 28 ફેબ્રુઆરીની રાત્રે દ્વારકા પહોંચ્યા હતા.

1 માર્ચના રોજ ભગવાન દ્વારકાધીશ અને રૂક્ષ્મણી માતાજીના દર્શન કર્યા બાદ ગોમતી ઘાટ પર સ્નાન કરીને સવારે દરિયાકાંઠા પાસે ચોપાટી વિસ્તારમાં બેઠા હતા. આ દરમિયાન આશરે 25 થી 30 વર્ષની વયના બે અજાણ્યા યુવાનો તેમની પાસે આવ્યા અને વાતચીત શરૂ કરી.

તેઓએ પોતાને ભરવાડ જ્ઞાતિના જણાવી વિશ્વાસ કેળવ્યો. ત્યારબાદ દીવાદાંડી નજીક આવેલા નવા ગણપતિ મંદિરે દર્શન કરવા જવાનું કહી બંને વડીલોને સાથે લઈ ગયા. ત્યાં એક યુવાને શેરડીનો રસ લાવી બંનેને પીવડાવ્યો હતો.

રસ પીધાના થોડા સમયમાં જ બંને વડીલો બેભાન થઈ ગયા. ભાનમાં આવ્યા ત્યારે રૂડાભાઈ મુંધવા જામનગરની જી.જી. હોસ્પિટલમાં અને તેમના કાકા ખંભાળિયાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું. અજાણ્યા શખ્સોએ તેમના કાનમાં પહેરેલા આશરે રૂપિયા 80,000ના સોનાના ઠોરીયા અને રૂપિયા 35,000 જેટલી રોકડ રકમની લૂંટ ચલાવી હતી, તેમ ફરિયાદમાં નોંધાયું છે.