Gujarat

પાલનપુર તાલુકાનું રૂપપુરા ગામ બન્યું સોલારયુક્ત

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકામાં આવેલું રૂપપુરા ગામ હવે વીજબિલની ચિંતામાંથી મુક્ત બન્યું છે. આ ગામ સંપૂર્ણપણે સોલાર ઊર્જાથી સજ્જ બન્યું છે, જ્યાં મોટાભાગના ઘરોમાં સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે. આ પહેલથી ગ્રામજનોને વીજબિલ ભરવું પડતું નથી, પરંતુ ઊલટાનું નાણાકીય બચત પણ થઈ રહી છે.

આ સિદ્ધિ હાંસલ કરવા માટે, શરૂઆતમાં વીજ અધિકારીઓ અને સોલાર સિસ્ટમના નિષ્ણાતો દ્વારા ગ્રામજનો સાથે ગ્રામસભા યોજવામાં આવી હતી. આ સભામાં સોલાર ઊર્જાના ફાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેના પરિણામે ગ્રામજનોએ સોલાર સિસ્ટમ અપનાવવામાં ઉત્સાહ દર્શાવ્યો હતો.

ગ્રામજનોના જણાવ્યા અનુસાર, સોલાર સિસ્ટમ લગાવવાથી તેમને વીજબિલની ઝંઝટમાંથી મુક્તિ મળી છે અને વાર્ષિક રૂ. 5,000 થી 7,000 સુધીની બચત થાય છે. આ સિસ્ટમનો સ્થાપના ખર્ચ પણ ત્રણથી પાંચ વર્ષમાં વસૂલ થઈ જાય છે.

સામાન્ય રીતે, 3.30 કિલોવોટની સોલાર સિસ્ટમ સ્થાપિત કરવાનો ખર્ચ આશરે રૂ. 1.50 લાખ થાય છે. જોકે, સરકાર દ્વારા રૂ. 78,000ની સબસિડી આપવામાં આવે છે, જેના કારણે ગ્રાહકને રૂ. 70,000 થી 80,000 જેટલી રકમ ચૂકવવી પડે છે.