લાલપુર ગામમાં સાગર વન ગ્રુપ દ્વારા પક્ષી સંરક્ષણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ઉનાળાની તીવ્ર ગરમીમાં પક્ષીઓને આશ્રય, પાણી અને આહાર મળી રહે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. આ અંતર્ગત ગામમાં ઘરે-ઘરે જઈને આશરે 500 ચકલીના માળા, 200 પાણીના કુંડા અને 200 બર્ડ ફીડરનું નિઃશુલ્ક વિતરણ કરાયું હતું.
સાગર વન ટીમના સભ્યોએ ગ્રામજનોને ચકલીઓ અને અન્ય નાના પક્ષીઓનું પર્યાવરણમાં મહત્વ સમજાવ્યું હતું. તેમણે લોકોને પોતાના ઘર, ઓટલા કે વૃક્ષો પર માળા અને બર્ડ ફીડર લગાવવા પ્રેરિત કર્યા. આ ઉપરાંત, પાણીના કુંડા રાખી નિયમિત પાણી ભરવા અપીલ કરાઈ હતી, જેથી ગરમીમાં પક્ષીઓને તરસથી બચાવી શકાય.
આ અભિયાનને સફળ બનાવવા માટે દાતાઓએ ઉદાર સહયોગ આપ્યો હતો. તેમના સહકારથી મોટી સંખ્યામાં માળા, કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ શક્ય બન્યું. સાગર વન ટીમે તમામ દાતાઓ અને સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા પર્યાવરણલક્ષી કાર્યો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

