કેશોદના સાંબળિયા નેસ નજીક પસાર થતાં નેશનલ હાઇવે પરથી ગ્રામ્ય વિસ્તાર તરફ જતાં રસ્તાઓનું ક્રોસિંગ હોય નેશનલ હાઇવે પર પૂરપાટ દોડતાં વાહનો ગ્રામ્ય વિસ્તાર તરફના રસ્તાઓ પર અરસપરસ ક્રોસિંગ કરતાં વાહનોને અડફેટે લેતાં વારંવાર જીવલેણ અકસ્માત સર્જાય છે. વર્ષ 2014 થી નેશનલ હાઇવેનું નિર્માણ થયું ત્યારથી લઈ અત્યાર સુધીમાં હાઇવેની ડિઝાઇન અને સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં ન આવતાં આ જગ્યા પર 28 જેટલાં લોકોના મોત નિપજયાં છે.
વારંવાર અકસ્માત થતાં સરકારી તંત્રને કોઈ જ ફેર ન પડ્યો પરંતુ 7 ગામના સરપંચોએ સ્વખર્ચે હાઇવેની બંને તરફ 24 જેટલાં પીપમાં રેતી ભરી બેરિકેટ ઉભા કરતાં અકસ્માતો અટક્યાં હતાં. તાજેતરમાં હાઇવેનું રિ-સર્ફેસિંગ કરાતાં બેરિકેટ હટાવાતાં ફરી અકસ્માતો થવાની શરૂઆત થતાં આસપાસમાં વિરોધનો સૂર ઉઠવા પામ્યો છે અને કાયમી અકસ્માતો અટકાવવા નેશનલ હાઇવે ઓથોરિટી અને ટ્રાફિક પોલીસ તેમની જવાબદારી ફિક્સ કરે તેવી તાલુકાભરમાં માંગ ઉઠવા પામી છે.

