Gujarat

વૃદ્ધા ધરોઈ કેનાલમાં ડૂબ્યા, ડેમમાંથી પાણી બંધ કર્યુ; ગત મોડી સાંજથી સર્ચ ઓપરેશન

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના ચાડા ગામ પાસે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં ૭૫ વર્ષીય વૃદ્ધા ધરોઈ કેનાલમાં ડૂબ્યા હોવાના સમાચારથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગત(૭ ફેબ્રુઆરી) બપોરના સમયથી બનેલી આ ઘટનામાં મહેસાણા ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓની ભારે જહેમત બાદ પણ હજુ સુધી વૃદ્ધાનો કોઈ પત્તો લાગ્યો નથી. ખેરાલુના ચાડા ગામના વતની આનંદીબેન મગનલાલ બારોટ (ઉં.વ. ૭૫) ગત બપોરે ગામ પાસેથી પસાર થતી ધરોઈ કેનાલ પાસે ગયા હતા.

આ દરમિયાન તેઓ અકસ્માતે કેનાલના ધસમસતા પ્રવાહમાં ખાબક્યા હતા. આસપાસના ખેતરમાં કામ કરતા લોકો અને પસાર થતા વિદ્યાર્થીઓએ વૃદ્ધાને કેનાલમાં પડતા જાેઈ બૂમાબૂમ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતા જ કેનાલ કાંઠે સ્થાનિકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. કેનાલના કિનારેથી વૃદ્ધાના ચશ્માં અને ચપ્પલ મળી આવ્યા હતા જેના પરથી તેઓ અહીં જ ડૂબ્યા હોવાની પુષ્ટિ થઈ હતી.