Gujarat

બે દેહવ્યાપારના ગુનામાં વર્ષથી વોન્ટેડ શેખર સાળુંકે ઝડપાયો

સુરત શહેર ક્રાઈમ બ્રાંચના નાસતા ફરતા સ્કોડએ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અનૈતિક દેહવ્યાપારના ૨ ગંભીર ગુનામાં છેલ્લા ૧ વર્ષથી પોલીસને થાપ આપી ફરતા મુખ્ય આરોપી શેખર ચુડામણ સાળુંકેને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી માત્ર દેહવ્યાપાર જ નહીં, પણ વાહનચોરી, મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી, રાયોટિંગમાં પોલીસ પર હુમલો અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ જેવા કુલ ૧૫ જેટલા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો રીઢો ગુનેગાર છે. રાંદેર પાલનપુર પાટીયા પાસેથી બાતમીના આધારે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપી શેખર સાળુંકે સમાજમાં પોતાની છબી એક સામાન્ય ભંગારના વેપારી તરીકે ઉભી કરી હતી. તે રાંદેર રોડ પર સિલ્વર પ્લાઝા એપાર્ટમેન્ટમાં રહીને પાલનપુર પાટીયા વિસ્તારમાં ભંગારનો ધંધો કરતો હતો. જાેકે, આ ભંગારનો વ્યવસાય માત્ર એક મહોરું હતું. આ વ્યવસાયની આડમાં તે આખા શહેરમાં અનૈતિક પ્રવૃત્તિઓનું નેટવર્ક ચલાવતો હતો. ભંગાર લેવા-વેચવાના બહાને તે શહેરના વિવિધ વિસ્તારોમાં રેકી કરતો અને પોતાની ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે શેખર અત્યંત શાતિર રીતે નાણાકીય વ્યવહારો કરતો હતો. તેણે બેંક પાસેથી ઓનલાઈન પેમેન્ટ માટેનું સ્કેનર મેળવવા માટે પોતે ‘સ્પા‘નો ધંધો કરતો હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું. મહિધરપુરામાં ચાલતા દેહવ્યાપારના અડ્ડા પર આવતા ગ્રાહકો પાસેથી તે આ સ્કેનર દ્વારા જ પેમેન્ટ લેતો હતો. આ રીતે તે દેહવ્યાપારમાંથી થતી ગેરકાયદેસર આવકને સ્પાના ધંધાની કાયદેસરની આવક તરીકે દર્શાવવાનો પ્રયાસ કરતો હતો. ઘટનાની વિગત મુજબ, ૨૬, માર્ચ, ૨૦૨૫ અને ૩૧, ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ મહિધરપુરા પોલીસ અને છૐ્ેં સેલે સંયુક્ત રીતે બુરહાનીપુરા વિસ્તારમાં એક મકાનના બીજા માળે રેડ કરી હતી. આ સ્થળે મહિલાઓ પાસે પરાણે દેહવ્યાપાર કરાવી આર્થિક લાભ મેળવવામાં આવતો હતો. પોલીસે તે સમયે કુલ ૬ મહિલાઓને નરકમાંથી આઝાદ કરાવી રેસ્ક્યૂ કરી હતી.

આ બંને ગુનાઓમાં શેખર સાળુંકે મુખ્ય સંચાલક તરીકે વોન્ટેડ જાહેર થયો હતો. આરોપી શેખરનો ગુનાહિત ઇતિહાસ ઘણો લાંબો અને ચોંકાવનારો છે. તેના પર સૌ પ્રથમ વર્ષ ૨૦૧૪માં વલસાડના ડુંગરી પોલીસ સ્ટેશનમાં વાહનચોરીનો ગુનો નોંધાયો હતો. ત્યારબાદ ખટોદરા, ઉમરા અને અડાજણ પોલીસ મથકોમાં મોબાઈલ સ્નેચિંગ અને ચોરીના અનેક કેસો નોંધાયા હતા. ૨૦૧૫માં જ તેણે એક પછી એક ચારથી વધુ સ્નેચિંગની ઘટનાઓને અંજામ આપ્યો હતો. તેની સતત વધતી જતી ગુનાખોરીએ પોલીસ માટે મોટો પડકાર ઉભો કર્યો હતો. શેખર માત્ર ચોરી કે દેહવ્યાપારમાં જ મર્યાદિત નહોતો, તે હિંસક મિજાજ પણ ધરાવતો હતો. ૨૦૧૯માં નવસારીના મરોલી પોલીસ સ્ટેશનમાં તેની સામે રાયોટિંગ અને સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો નોંધાયો હતો. પોલીસ જ્યારે તેને પકડવા અથવા અટકાવવા જતી, ત્યારે તે કાયદો હાથમાં લેતા પણ અચકાતો નહોતો. આ ઉપરાંત સચીન અને અડાજણ વિસ્તારમાં તેની સામે ડ્રીંક એન્ડ ડ્રાઈવના કેસો પણ નોંધાયેલા છે.

છેલ્લા ૧ વર્ષથી ફરાર શેખર સાળુંકેને પકડવા માટે ક્રાઈમ બ્રાંચની ટીમ સતત વોચમાં હતી. બાતમી મળી હતી કે તે પાલનપુર પાટીયા ત્રણ રસ્તા પાસે આવવાનો છે. પોલીસે ગત રાત્રે ચોક્કસ પ્લાનિંગ સાથે તેને ચારેય બાજુથી ઘેરી લીધો હતો અને નાસવાની તક આપી નહોતી. તેની ધરપકડ બાદ હવે પોલીસ તપાસ કરી રહી છે કે તેના આ નેટવર્ક પાછળ અન્ય કયા મોટા માથાઓ સામેલ છે.