વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલા ઘરના મંદિરમાંથી 800 ગ્રામ વજનની મૂર્તિઓની ચોરી થઈ છે. ઘરના દરવાજાના તાળા તૂટેલા ન હોવાથી ચોરીનું રહસ્ય ઘેરાયું છે. આ મામલે અકોટા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
મંદિરમાં પૂજા કરવા ગયા ને જોયું તો ચાંદીની મૂર્તિઓ ગાયબ વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી કૃષ્ણા શાંતિ સોસાયટી વિસ્તારમાં રહેતા પ્રતિકભાઈ રામમનોહર તિવારીએ નોંધાવેલી ફરીયાદ મુજબ, તેઓ સિવિલ કામ કરે છે.
ગત. 13 માર્ચ 2026ના રોજ પ્રતિકભાઈ તથા તેમના ભાઈ સાથે કામકાજ અર્થે ભરૂચ ગયા હતાં. દરમિયાન સાંજે આશરે 7:30 વાગ્યાની આસપાસ તેમની પત્ની દિવ્યાબેનનો ફોન આવ્યો હતો. ફોનમાં તેમણે જણાવ્યું કે તેઓ ઘરે આવેલા મંદિરમાં પૂજા કરવા ગયા હતા, ત્યારે મંદિરમાં રાખેલી ચાંદીની મૂર્તિઓ ગાયબ જોવા મળી હતી.
ઘરના તાળા તૂટેલા નથી, તો ચોરી કેવી રીતે થઈ? પ્રતિકભાઈ અને તેમના ભાઈ તાત્કાલિક ઘરે પરત ફર્યા અને તપાસ કરતા મંદિરની બંને ચાંદીની મૂર્તિઓ ગુમ હોવાનું જાણવા મળ્યું હતું. ચોરી થયેલી મૂર્તિઓમાં લક્ષ્મીમાતાજીની મૂર્તિ, ગણેશજીની બેઠેલી મૂર્તિનો સમાવેશ થાય છે. બન્ને મૂર્તિઓનું કુલ વજન આશરે 800 ગ્રામ હોવાનું અને તેની અંદાજિત કિંમત રૂપિયા 1.30 લાખ જેટલી હોવાનું જણાવાયું છે. ખાસ વાત એ છે કે, ઘરના તાળા તૂટેલા નથી, જેના કારણે ચોરી કેવી રીતે થઈ તે અંગે રહસ્ય ઊભું થયું છે.

