દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સ્થાન આપવાનાં નિર્ધાર સાથે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે માર્ગ સુધારણા માટે રૂ. ૧,૧૮૫ કરોડ મંજૂર કર્યા
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસીત ભારતનાં સંકલ્પને સાકાર કરવા માટે શહેરી વિકાસને મહત્વનું ગણ્યું છે અને ભાર મૂક્યો છે કે, આયોજનબદ્ધ શહેરો આપણા દેશનું ભવિષ્ય નક્કી કરશે
ગુજરાતનાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે દક્ષિણ ગુજરાતમાં આવેલા માર્ગોને પહોળા કરવા અને સુધારવા માટે રૂ. ૧,૧૮૫ કરોડનાં કામોને મંજુરી આપી છે. આનો ઉદ્દેશ સુરત ઇકોનોમિક રિજિયન (જીઈઇ) ને દુબઈ અને ચીનના ગુઆંગઝૂ જેવા વૈશ્વિક ટ્રેડિંગ હબની તર્જ પર વિકસાવવાનો છે અને સુરતને વૈશ્વિક સપ્લાય ચેનમાં જાેડવાનો છે. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે મંજૂર કરેલા આ પ્રોજેક્ટોમાં સુરત, તાપી, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાઓમાં કુલ ૩૮૩ કિમીને આવરી લેતા ૨૪ કામોનો સમાવેશ થાય છે. આ પગલું લોજિસ્ટિક્સ કનેક્ટિવિટી સુધારવા અને દક્ષિણ ગુજરાતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે.ભારત સરકાર દ્વારા સુરત ઇકોનોમિક રિજિયન (જીઈઇ)ને વિશ્વનાં નકશા પર મૂકવા માટે એક આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો અને બરોબર ૧૭ મહિના પહેલા આ માસ્ટર પ્લાનનો મુખ્યમંત્રીના હસ્તે સુરતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ માસ્ટર પ્લાનનો હેતુ વર્ષ-૨૦૪૭ સુધી સુરત શહેર અને સમગ્ર દક્ષિણ ગુજરાતને દેશના મહત્વપૂર્ણ આર્થિક વૃદ્ધિ કેન્દ્ર તરીકે વિકસાવવાનો છે.

સુરતનો માસ્ટર પ્લાન માત્ર બ્લુપ્રિન્ટ નહી પણ અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ: ભુપેન્દ્રભાઇ પટેલ
વર્ષ ૨૦૨૪માં નીતિ આયોગ દ્વારા તૈયાર કરાયેલા આ વ્યાપક આર્થિક માસ્ટર પ્લાન અંગે મુખ્યમંત્રીએ પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે, “સુરત ઇકોનોમિક રિજિયન માટેનો આ આર્થિક માસ્ટર પ્લાન માત્ર એક બ્લુપ્રિન્ટ નથી, પરંતુ રાષ્ટ્ર નિર્માણમાં ભાગીદાર તરીકે દૃષ્ટિવંત, ગતિશીલ અને સર્વસમાવેશી વિકાસ માટેની અમારી પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.”વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસીત ભારતનાં સંકલ્પને સાકાર કરવા માટે શહેરી વિકાસને મહત્વનું ગણ્યું છે અને ભાર મૂક્યો છે કે, આયોજનબદ્ધ શહેરો આપણા દેશનું ભવિષ્ય નક્કી કરશે. સુરત ઇકોનોમિક રિજિયનનો ઇકોનોમિક માસ્ટર પ્લાન વડાપ્રધાનશ્રીની દિઘદ્રર્ષ્ટિનું જ પરિણામ છે. જિલ્લાવાર ફાળવણીમાં સુરતને રૂ. ૬૩૧ કરોડ ફાળવવામાં આવ્યા છે, કારણ કે દક્ષિણ ગુજરાતનાં વિકાસમાં સુરતની મુખ્ય ભૂમિકા રહી છે. વલસાડ જિલ્લાને રૂ. ૨૬૪ કરોડની મંજૂરી આપી છે જ્યારે બાકીની રકમ નવસારી, તાપી અને ડાંગ જિલ્લાઓમાં કામો માટે ફાળવવવામાં આવી છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ રોકાણો દક્ષિણ ગુજરાતમાં ઔદ્યોગિક ક્લસ્ટરો, બંદરો અને લોજિસ્ટિક્સ હબ વચ્ચેનું જાેડાણ મજબૂત કરવા માટે છે. વિશ્વમાં દરિયાકાંઠાના વિસ્તારો અને સારી રીતે જાેડાયેલા આંતરિક પ્રદેશો અદ્યતન ટ્રેડિંગ સેન્ટર તરીકે ઉભરી રહ્યા હોવાથી રાજ્ય સરકાર મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.મજબૂત ઔદ્યોગિક આધાર અને વ્યૂહાત્મક સ્થાનને કારણે સુરતને દેશમાં આર્થિક માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે પસંદ કરાયેલા ચાર પાયલોટ શહેર પ્રદેશોમાં સ્થાન મળ્યું છે.

નીતિ આયોગનાં અહેવાલ મુજબ, સુરતમાં અનેક એવા ઉદ્યોગો કાર્યરત છે જે અર્થતંત્રમાં મહત્વપૂર્ણ ફાળો આપે છે. સુરત વિશ્વભરમાં કાપડ ઉત્પાદન અને હીરા પોલિશિંગ ઉદ્યોગ માટે ઓળખાય છે. ઉપરાંત અહીં કેમિકલ ઉદ્યોગો, લઘુ અને મદ્યમ કદનાં ક્લસ્ટરો અને લોજિસ્ટિક્સ સેવાઓ પણ મજબૂત છે.ભરૂચ જિલ્લામાં કેમિકલ, ફાર્માસ્યુટિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગોનો મજબૂત આધાર છે, જ્યારે નવસારી કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને નાના પાયાના ઉત્પાદન માટે જાણીતું છે.સુરત આર્થિક પ્રદેશના વિકાસ માટેનો બ્લુપ્રિન્ટ તૈયાર થયા પછી હવે રાજ્ય સરકારનું લક્ષ્ય ઉત્પાદન કેન્દ્રો અને આંતરરાષ્ટ્રીય બજારો વચ્ચેનું અંતર ઘટાડીને વૈશ્વિક ટ્રેડિંગ હબ ઉભું કરવાનું છે, જે વૈશ્વિક સપ્લાય ચેઇન માટે મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર બની શકે.હાલમાં દક્ષિણ ગુજરાતનું પ્રતિ વ્યક્તિ જીડીપી અંદાજે ૪,૬૦૦ ડોલર છે, જેને ૨૦૪૭ સુધી વધારીને ૪૫,૦૦૦ ડોલરથી વધુ કરવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કરવામાં આવ્યો છે.અધિકારીઓનું કહેવું છે કે, આ લક્ષ્ય હાંસલ કરવા માટે સુસંગત આયોજન અને મોટા પાયે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ જરૂરી છે. માર્ગ સુધારણા અને વિકાસ માટે મુખ્યમંત્રી દ્વારા રૂ. ૧,૧૮૫ કરોડની મંજૂરી આ દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.રાજ્ય સરકારની વિકાસ રણનીતિમાં ટકાઉ વિકાસ, આર્થિક વૈવિધ્યતા અને સંતુલિત પ્રાદેશિક વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે, જેના દ્વારા સુરત તથા આસપાસના જિલ્લાઓને મજબૂત આર્થિક શક્તિ કેન્દ્ર તરીકે વિકસાવવાનું ઉદ્દેશ છે.
સુરતનું સ્ટ્રેટેજિક લોકેશન તેના વિકાસને ગતિ આપશે-
સુરતનું વ્યૂહાત્મક ભૌગોલિક સ્થાન, મજબૂત પરિવહન જાેડાણ અને વિકસિત ઔદ્યોગિક માળખું તેને નવા ક્ષેત્રોમાં વિસ્તરણ માટે અનુકૂળ બનાવે છે. પ્રદેશને એક્સપ્રેસવે, રેલવે જાેડાણ, સમુદ્રી બંદરો, આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તથા વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર જેવા મજબૂત લોજિસ્ટિક્સ નેટવર્કનો લાભ મળે છે. રાજ્ય સરકારે ભવિષ્યના વિકાસ માટે ટકાઉ કૃષિ, રિયલ એસ્ટેટ, પ્રવાસન, માહિતી ટેક્નોલોજી અને લોજિસ્ટિક્સ જેવા મહત્વપૂર્ણ ક્ષેત્રોની ઓળખ પણ કરી છે, જેથી આ પ્રદેશને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક આર્થિક કેન્દ્ર તરીકે વિકસાવી શકાય.તાપી જિલ્લામાં એગ્રો-પ્રોસેસિંગ ઉદ્યોગો, કાગળ ઉત્પાદન અને ડેરી પ્રવૃત્તિઓ મહત્વપૂર્ણ છે. વલસાડ જિલ્લામાં કેમિકલ ઉદ્યોગો, વેપાર તથા પ્રવાસન સંબંધિત પ્રવૃત્તિઓનો સંયોજન જાેવા મળે છે. જ્યારે ડાંગ જિલ્લો મોટા ભાગે જંગલ અને આદિવાસી વિસ્તાર ધરાવતો હોવાથી તેની આર્થિક પ્રવૃત્તિઓ કૃષિ, વનઉત્પાદન અને મૂળભૂત સેવાઓ પર આધારિત છે.

