મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા સૂર્યપૂજા અને ગૌપૂજા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સંક્રાંતિના પુણ્યકાળ દરમિયાન શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે વિશ્વ કલ્યાણ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરવામાં આવી હતી.
ગૌપૂજામાં ટેક્નોલોજીનો સંગમ મંદિર પરિસરમાં આયોજિત ગૌપૂજનમાં ટ્રસ્ટ સંચાલિત ગીર ગૌશાળાની ગૌમાતાનું વિધિવત પૂજન કરી ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો. આ પૂજન વિધિમાં દેશના વિવિધ રાજ્યોમાંથી 350 થી વધુ ભક્ત પરિવારો ડિજિટલ માધ્યમથી ઓનલાઇન જોડાયા હતા. સોમનાથ ટ્રસ્ટના ઇનચાર્જ જનરલ મેનેજર દ્વારા સૂર્યનારાયણની આરાધના અને ગૌપૂજનની વિધિ સંપન્ન કરવામાં આવી હતી.

મહાદેવને તલનો વિશેષ અભિષેક અને શ્રૃંગાર મકરસંક્રાંતિના અવસરે સોમનાથ મહાદેવને જળ, દૂધ, દહીં અને સાકર સાથે તલ મિશ્રિત કરી વિશેષ અભિષેક કરવામાં આવ્યો હતો. સંક્રાંતિ કાળમાં તલનું વિશેષ મહત્વ હોવાથી આખો દિવસ પૂજનમાં સફેદ તલનો ઉપયોગ થયો હતો. સંધ્યાકાળે મહાદેવનો તલથી વિશેષ શ્રૃંગાર કરવામાં આવ્યો હતો, જેના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.

