Gujarat

દીકરીઓને ગર્ભાશયના કેન્સરથી બચાવવા રાજ્યવ્યાપી HPV રસીકરણ અભિયાન

ગુજરાતમાં મહિલા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ક્રાંતિકારી કદમ ઉઠાવવા જઈ રહ્યું છે. 28 ફેબ્રુઆરી, 2026થી સમગ્ર રાજ્યમાં 14 વર્ષની દીકરીઓ માટે મફત HPV રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવશે. ગર્ભાશયના મુખના કેન્સર એટલે કે, સર્વાઈકલ કેન્સરને જડમૂળથી નાબૂદ કરવાના હેતુથી સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.

જેમાં શહેરની સોલા સિવિલ હોસ્પિટલમાં પીએમ મોદી વર્ચ્યુઅલી જોડાઈને રસીકરણ વિશે કિશોરીઓને રસીનો ડોઝ આપવાની શરૂઆત કરાવી હતી. જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા, શહેરના મેયર પ્રતિભા જૈન, AMC ચેરમેન દેવાંગ દાણી ઉપસ્થિત રહ્યા હતા.

5.50 લાખથી વધુ દીકરીઓને રસી વિનામૂલ્યે આપશે ભારતમાં મહિલાઓમાં થતા કેન્સરમાં સર્વાઈકલ કેન્સર બીજા ક્રમે છે. આ ગંભીર બીમારી સામે રક્ષણ આપવા માટે હવે ગુજરાત સરકાર સજ્જ થઈ છે. આજે એટલે કે, 28 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાનના હસ્તે આ અભિયાનનો રાષ્ટ્રીય કક્ષાએ શુભારંભ થયો હતો.

14 વર્ષ પૂર્ણ કરી ચૂકેલી અને 15મો જન્મદિવસ હજુ બાકી હોય તેવી તમામ કિશોરીઓને આ રસી આપવામાં આવશે. બજારમાં આ રસીના એક ડોઝની કિંમત અંદાજે 3000 છે, પરંતુ સરકાર આશરે 150 કરોડના ખર્ચે 5.50 લાખથી વધુ દીકરીઓને આ રસી વિનામૂલ્યે આપશે. રાજ્યમાં 2297 કોલ્ડ ચેઈન પોઈન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે, જેથી રસીની અસરકારકતા જળવાઈ રહે.

સમગ્ર પ્રક્રિયાનું રિયલ-ટાઇમ ટ્રેકિંગ આ રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. જો રસી લીધા બાદ કોઈ કિશોરીને સામાન્ય ગભરામણ કે ચક્કર જેવી આડઅસર (AEFI) જણાય, તો તેની તત્કાલિક સારવાર માટે દરેક કેન્દ્ર પર ડોક્ટરોની ટીમ અને દવાઓની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ સમગ્ર પ્રક્રિયાનું ‘TeCHO+’ અને ‘SAFE-VAC’ પોર્ટલ પર રિયલ-ટાઇમ ટ્રેકિંગ કરવામાં આવશે.