Gujarat

જામનગર દરબારગઢમાં વન-વેની કડક અમલવારી શરૂ

જામનગરના દરબારગઢ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે સિટી-એ ડિવિઝન પોલીસે વન-વે નિયમની કડક અમલવારી શરૂ કરી છે. લાંબી બેરીકેટ મૂકીને આ નિયમનું પાલન કરાવવામાં આવી રહ્યું છે, જેના પરિણામે ટ્રાફિકમાં નોંધપાત્ર રાહત મળી છે. નિયમનો ભંગ કરનારા વાહનચાલકો પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો હતો.

દરબારગઢ, બર્ધન ચોક અને સુભાષ શાક માર્કેટ જેવા વિસ્તારોમાં લાંબા સમયથી વન-વે નિયમનો અમલ થતો ન હતો, જેના કારણે ભારે ટ્રાફિક જામ સર્જાતો હતો. ખાસ કરીને રમઝાન માસ અને ચેતી ચાંદ જેવા તહેવારોના કારણે આ સમસ્યા વધુ વકરી હતી. સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ નિકુંજસિંહ ચાવડાની સૂચનાથી દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઈ વસંતલાલ ગામેતી અને તેમની ટીમે આ કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસે ચાંદી બજાર સર્કલ તરફના રસ્તા તેમજ બર્ધન ચોક અને સુભાષ શાક માર્કેટમાં લાંબી બેરીકેટ ગોઠવીને વન-વેની કડક અમલવારી કરાવી હતી. આ પગલાંને કારણે ટ્રાફિકની સમસ્યામાં મોટી રાહત મળી છે. સિટી-એ ડિવિઝન પોલીસે હવે આ બેરીકેટ રાખીને વન-વેની અમલવારી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.