Gujarat

આચાર સંહિતાનો કડક અમલ, શહેરમાંથી 650 બોર્ડ-બેનરો હટાવી દેવાયા

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા રાજકોટ સહિતની વિવિધ મહાનગરપાલિકાઓ, જિલ્લા પંચાયતો અને અન્ય સ્વાયત સંસ્થાઓની ચૂંટણીની સત્તાવાર તારીખો જાહેર કરી દેવામાં આવી છે. આ જાહેરાતની સાથે જ સમગ્ર વહીવટી તંત્ર સજ્જ થઈ ગયું છે અને 1 એપ્રિલથી આદર્શ આચાર સંહિતાનો અમલ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે.

ચૂંટણીના માહોલ વચ્ચે કોઈ પણ રાજકીય પક્ષ કે ઉમેદવાર નિયમોનું ઉલ્લંઘન ન કરે તે માટે તંત્ર દ્વારા કડક કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે, જેના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા અને એસ્ટેટ શાખા સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગઈ છે. બે દિવસમાં શહેરમાંથી સરકારી જાહેરાત વાળા 650 બોર્ડ અને બેનરો હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે એસ્ટેટ વિભાગે તમામ એજન્સીઓ સાથે બેઠક યોજી સરકારી જાહેરાત વાળા બોર્ડ-બેનરો હટાવવા કડક સૂચના આપી દીધી છે.

દબાણ હટાવ શાખાની કડક કાર્યવાહી મનપાની આ કામગીરીમાં ખાસ કરીને એવા બોર્ડ અને બેનરો પર નિશાન સાધવામાં આવ્યું હતું, જેમાં રાજકીય નેતાઓની તસવીરો, તેમના નામ અને હોદ્દાની વિગતો દર્શાવવામાં આવી હતી. વિગતવાર માહિતી મુજબ, દબાણ હટાવ શાખાની ટીમે શહેરના વિવિધ વોર્ડમાં ફરીને આ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું.

જેમાં વોર્ડ નં. 9 નિલકંઠ સોસાયટી વિસ્તાર અને આસપાસના મુખ્ય માર્ગો, વોર્ડ નં. 13 આનંદ બંગલા ઇન્ડસ્ટ્રિઝ એરિયા, વોર્ડ નં. 14નાં મુખ્ય ચોક અને જાહેર મિલકતો તેમજબવોર્ડ નં. 2 સરકીટ હાઉસ અને તેની આસપાસના વિસ્તારોમાંથી બોર્ડ અને બેનરો હટાવવામાં આવ્યા છે. આ તમામ વિસ્તારોમાંથી ગેરકાયદેસર રીતે લગાડવામાં આવેલા રાજકીય હોર્ડિંગ્સ અને ધજા-પતાકાઓને જપ્ત કરવામાં આવ્યા છે.