અમદાવાદના હાથીજણ વિસ્તારમાં ધર્મવાટિકા સોસાયટીમાં સ્થાનિક લોકો ઉપર સોસાયટીના જ વ્યક્તિ દ્વારા માણસો બોલાવીને મારામારી કરવામાં આવી હોવાની ઘટના બની હતી. કાળા કલરની નંબર પ્લેટ વિનાની કારમાં આવીને પાંચથી છ જેટલા શખસો દ્વારા સોસાયટીના રહીશને માર મારવામાં આવ્યો હતો. મારામારીની ઘટના સોસાયટીના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. આ મામલે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેના પગલે પોલીસે ૬ આરોપીની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, શહેરના હાથીજણ વિસ્તારમાં પોલીસનો અને કાયદાનો કોઈ ડર ન હોય તેમ જાહેરમાં નંબર પ્લેટ વિનાની ગાડીમાં આવી ના સ્થાનિક લોકો પર મારામારીની ઘટના બની છે. હાથીજણની ધર્મવાટિકા સોસાયટીમાં દૃશ્ય ગોસ્વામી નામનો યુવક તેના પરિવાર સાથે રહે છે. ૧૪ જાન્યુઆરીના રોજ સોસાયટીમાં પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી, જે ઝઘડાની અદાવત રાખી ગઈકાલે (૧૪ ફેબ્રુઆરી) બપોરના સમયે દ્રશ્ય ગોસ્વામી અને અન્ય લોકો દ્વારા કાળા કલરની નંબર પ્લેટ વિનાની ગાડીમાં આવ્યા હતા અને સોસાયટીના રહીશ પર હુમલો કર્યો હતો. ૬ જેટલા શખ્સો દ્વારા સોસાયટીના રહીશને માર મારવામાં આવ્યો હતો. સોસાયટીના ટોળેટોળાં પણ ભેગા થઈ ગયા હતા. ઘટનાને પગલે સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો.
દ્રશ્ય ગોસ્વામી અને તેની સાથેના આવેલા અન્ય લોકો મારામારી કરીને ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસને જાણ કરવામાં આવતા વિવેકાનંદ નગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી. સોસાયટીના સભ્યોએ વિવેકાનંદનંગર પોલીસ સ્ટેશનમાં દ્રશ્ય ગોસ્વામી અને તેના સાગરીતો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી. ગણતરીના કલાકોમાં ૬ આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.

