Gujarat

ભરૂચ હાઈવે પર યુવતીનો આત્મહત્યાનો પ્રયાસ

ભરૂચના સ્વામીનારાયણ મંદિર સામે હાઈવે પર એક યુવતીએ પારિવારિક કારણોસર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ફરજ પર હાજર GRD જવાન અને પોલીસે સમયસર દખલગીરી કરીને યુવતીનો જીવ બચાવ્યો હતો. ત્યારબાદ યુવતીનું કાઉન્સેલિંગ કરીને તેને સુરક્ષિત રીતે પરિવારને સોંપવામાં આવી હતી. આ ઘટના ત્યારે સામે આવી જ્યારે યુવતી હાઈવે પર કોઈ વાહનની આગળ કૂદી પડવા જેવી શંકાસ્પદ હરકતો કરતી જોવા મળી હતી. આ જોઈને GRD સભ્ય અરુણ ઠાકોરે તત્કાળ સતર્કતા દાખવી યુવતીને રોકી લીધી હતી અને સંભવિત દુર્ઘટના ટાળી હતી.

અરુણ ઠાકોરે તાત્કાલિક ભરૂચ “સી-ટીમ” અને પોલીસ ઇન્સ્પેકટર એન.આર.ચૌધરીને જાણ કરી હતી. પોલીસ ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી યુવતીને સુરક્ષિત રીતે પોલીસ સ્ટેશન લઈ આવી હતી. પૂછપરછ દરમિયાન યુવતીએ જણાવ્યું કે પારિવારિક કારણોસર તે આત્મહત્યા કરવાના ઈરાદે હાઈવે પર આવી હતી.

પોલીસે યુવતીના પરિવારજનોનો સંપર્ક કર્યો અને તેમને પોલીસ સ્ટેશન બોલાવ્યા. પોલીસ અધિકારીઓએ યુવતી અને તેના પરિવારજનોનું કાઉન્સેલિંગ કર્યું અને તેમને સમજાવ્યા. ત્યારબાદ યુવતીને તેના પરિવાર સાથે સુરક્ષિત રીતે ઘરે મોકલી દેવામાં આવી હતી. આ સમગ્ર બનાવમાં GRD સભ્ય અરુણ ઠાકોરની સમયસૂચકતા અને માનવતાભરી કામગીરી પ્રશંસનીય રહી છે, જેના કારણે એક યુવતીનો જીવ બચાવી શકાયો.